સરકારી દવાખાને શ્રમિકોને પીવાના પાણીના સાંસા પડતા અગવડતા સર્જાઈ હતી : ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પાણીના જગ મુકાયા હળવદ : હળવદના સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પરપ્રાંતીયો પોતાના વતન જવા માટે સર્ટીફિકેટ લેવા માટે ઉમટી પડયા હતા. અને લાંબી લાઈનો લગાવી હતી ત્યારે આવા ધોમધમખતા તાપમાં સેકાતા પરપ્રાંતીય શ્રમિકોને પીવાના પાણીના સાંસા પડતા ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાને ધ્યાને આવતા ઠંડા પાણી અને લીંબુ સરબતની વ્યવસ્થા કરાઈ હતી. કોરોના વાયરસની ભયંકર મહામારી વચ્ચે પોતાના વતન જવા માટે શ્રમિક પરિવારોએ મેડીકલ સર્ટી લેવા માટે ઉમટી પડયા હતા અને લાંબી લાઈનોના દ્રશ્યો સર્જાયા હતા. તો સાથે જ કાળઝાળ ગરમીમાં સેકાઈ રહેલા શ્રમિકોને એક સમયે પીવાના પાણી માટે સાંસા પડયા હતા. ત્યારે આ બાબત ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાને ધ્યાને આવતા ઠંડા પાણી અને લીંબુ સરબતની તાબડતોબ વ્યવસ્થા કરાઈ હતી. જેમાં હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, કેતનભાઈ પટેલ સહિતનાઓ દ્વારા હળવદ સરકારી હોસ્પિટલમાં ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરી આપી છે. તો સાથોસાથ મેડીકલ સર્ટીફિકેટ લેવા આવતા શ્રમિકોને એનર્જી જળવાઈ રહે તે માટે લીંબુ શરબતની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં હોસ્પિટલ ચાલુ થાય ત્યારથી બંધ થાય ત્યાં સુધી ઠંડા પાણી અને લીંબુ શરબતની વ્યવસ્થા ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. જેથી, મેડીકલ સર્ટીફિકેટ લેવા આવેલા શ્રમિકો ઠંડુ પાણી અને લીંબુ શરબત પી રહ્યા છે. જાકે આ માનવતાની કામગીરી કરવા બદલ ધારાસભ્ય અને તેમની ટીમને લોકોએ બિરદાવેલ છે.