ગરમ વસ્ત્રોમાં કેદ છતાં જનજીવન ધ્રુજી ઉઠ્યું, સુસવાટા મારતા બર્ફીલા પવન વચ્ચે, આકરો લાગતો તડકો પણ મીઠો લાગ્યો, કડકડતી ટાઢને પગલે બજારો પર અસર મોરબી : મોરબીમાં હાડ થીજવતી ટાઢને કારણે ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં જનજીવન ધ્રુજી ઉઠ્યું છે. ઠંડી ભારે ધ્રુજારો અને સુસવાટા મારતા બર્ફીલા પવન વચ્ચે, આકરો લાગતો તડકો પણ મીઠો લાગવા માંડ્યો છે. કડકડતી ટાઢને પગલે બજારો પર અસર થઈ છે. પોષ મહિનામાં શીતપ્રોકપ જેવી સ્થિતિને કારણે લોકોએ ટાઢથી બચવા ઠેરઠેર તપાણાં શરૂ કર્યા છે. મોરબીમાં હમણાં બે ત્રણ દિવસથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. ખાસ કરીને સુસવાટા મારતા બર્ફીલા પવનથી ભારે કડકડતી ટાઢનો અહેસાસ થઈ રહ્યો છે. લોકોને આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરી રાખવું પડે છે. તેમજ દરરોજ તડકામાં બેસવું પડે છે અને લોકો ગરમ તપાણા શરૂ કર્યા હોવા છતાં ટાઢ ઊડતી નથી. આથી તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે અને 9 ડીગ્રી સેલસીયસે પારો ગગડતાં ભારે ઠંડી અનુભવાય રહી છે. બહાર બર્ફીલા પવનને કારણે લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળે છે. આથી સતત ધમધમતી બજારોમ્સ ઘણી ઓછી ચહલ પહલ જોવા મળે છે. રાત પડતા જ લોકો ઘરોમાં કેદ થઈ જતા માર્ગો પર કુદરતી કરફ્યુ લાગ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. સવારે કામ અર્થે નીકળતા લોકો ગરમ વસ્ત્રો પહેર્યા હોવા છતાં ઠંડીથી ધ્રુજી રહ્યા છે. એકંદરે શહેર આખું ફ્રીજની જેમ ઠંડુગાર બની જતા જનજીવન ઠીગરાઈ ગયું છે.