ઠંડીની મોસમમાં સ્નાયુબંધ શરીર બનનાવા મોર્નીગ વોક કરનારાની સંખ્યા વધી મોરબી : મોરબીમાં શિયાળાની મોસમ ધીમીગતિએ જામી રહી છે. હમણાંથી ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. ફુલગુલાબી ઠંડીના અહેસાસથી સમગ્ર જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. એકંદરે ઠંડીનો ચમકારો વધતાની સાથે ખાન-પાનમાં ગરમાવો આવી ગયો છે. ગરમ વસ્ત્રોની પણ ધૂમ ખરીદી થઈ રહી છે. જ્યારે ઠંડીની મોસમમાં શરીરને સૌષ્ઠવ બનાવવા માટે વહેલી સવારે મોર્નીગ વોક કરનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. મોરબીમાં દિવાળી પછી શિયાળાની મોસમ શરૂ થયા બાદ આ વખતની શિયાળાની મોસમમાં હવે શિયાળાએ અસ્સલ મિજાજ દેખાડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી વધી ગઈ છે. સાંજથી સવારના 10 વાગ્યા સુધી ઠંડીની ભારે અસર વર્તાઈ છે. તેથી, જનજીવન ગરમ વસ્ત્રોમાં કેદ થઈ ગયું છે. ઉપરાંત સૂર્ય નારાયણની હાજરી વચ્ચે પણ વાતાવરણ એકદમ ઠંડુ રહે છે. તેથી, મોટાભાગે લોકોએ ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો પહેરી રાખે છે. હમણાંથી ઠંડીનો ચમકારો વધતા ખાન-પાનની વસ્તુઓમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને શિયાળાને અનુરૂપ અડદિયા, ગુંદર પાક, વિવધ જાતની ચીકીઓ, ઝીઝરા, બોર, શેરડી, વિવિધ જાતના ફળો સહિતની ગરમ ખવાપીવાની ચીજવસ્તુઓની ડિમાન્ડ વધી ગઈ છે. બીજીતરફ ગરમ સ્વેટર અને ગરમ ધાબળા સહિતના ગરમ વસ્ત્રોની પણ ભારે ખરીદી થઈ રહી છે. શિયાળો એટલે આરોગ્ય તંદુરસ્ત રાખવાની સર્વશ્રેષ્ઠ ઋતુ ગણાય છે ત્યારે સવારમાં ઘણી જગ્યાએ વિવિધ આયુર્વેદિક વનસ્પતિઓ બનાવાયેલા ઉકાળા અને ગરમ કાવાનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે શિયાળામાં સવારે ફુલગુલાબી ઠંડી વચ્ચે શહેરના શુદ્ધ વાતાવરણમાં હરવા ફરવા અને દોડવાથી શરીરની તાજગી અને સ્ફૂર્તિ વધે છે. આથી, વહેલી સવારે ઘણા લોકો હરવા ફરવાથી લઈને દોડીને શરીરને એકદમ ચુસ્ત રાખવાની કોશિશ કરી રહ્યા છે. બીજી તરફ ઠંડી વધતા ઠેરઠેર તાપણાઓ શરૂ થઈ ગયા છે. લોકો રાત્રીના સમયે તાપણા કરીને ટાઢ ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.