મોરબી : કોરોના વોરિયર્સ તરીકે જેની ગણના થાય છે એવા તમામ લોકોને આજે નાગરિકો અહોભાવની દ્રષ્ટિથી જુવે છે. જો કે મોરબી સ્કરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા સફાઈ કર્મચારીઓ અને સિક્યુરિટી સ્ટાફ સાથે તેઓ જાણે ઓરમાયા હોય એવું વર્તન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ બાબત અંગે ધ્યાન દોરતા મોરબીના સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં આશીર્વાદ કંપનીનો કોન્ટ્રાકટ ચાલે છે. આ કોન્ટ્રાકટ હેઠળ કંપની સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારો તેમજ સિક્યુરિટી સ્ટાફ પૂરો પાડે છે. આ કર્મચારીઓ ખુબ જ મામૂલી વેતનમાં કામ કરે છે. અત્યારે મહામારીના કપરા કાળમાં આ કર્મચારીઓ સરેરાશ બાર કલાકની નોકરી ખડે પગે કરતા હોય છે. જો કે તેઓની આ સેવા સ્વરૂપ સન્માન આપવાની વાત તો દૂર ઘણી વખત તેઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ પણ સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા તથા જીગ્નેશભાઈ પંડ્યાએ કલેક્ટરને કરેલી રજુઆતમાં કર્યો છે. વળી આ કર્મચારીઓને ઘણી વખત પૂરતો પગાર પણ આપવામાં આવતો નથી. અનિયમિત પગારની ફરિયાદો પણ કર્મચારીઓ કરી રહ્યા છે. ત્યારે કોરોના વોરિયર્સ તરીકે સફાઈ કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓના સન્માનની વાત ખુદ વડાપ્રધાન મોદી વારંવાર કહી ચુક્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર આ બાબત પરત્વે ધ્યાન આપી સફાઈકર્મીઓ તથા સુરક્ષાકર્મીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી માંગ ઉઠી રહી છે.