ચિલ્ડ્રન હોમના બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન અપાયું, સેવા સદનની 36 કચેરીઓની મુલાકાત લઈ સરકારી કામગીરી વિશે મેળવી જાણકારીમોરબી અપડેટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 25 વર્ષ પૂરા થવા નિમિત્તે ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા સેવા સદન ખાતે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા કુલ 126 બાળકોએ ભાગ લઈ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સાથે સીધો સંવાદ કર્યો હતો.જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આયોજિત આ સંવાદ કાર્યક્રમમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ પાસેથી પ્રેરણા લઈ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરો અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી આગળ વધો. તેમણે બાળકોને વહીવટી માળખા, શિક્ષણ તથા કૌશલ્યલક્ષી વિકાસનું મહત્વ સમજાવી જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારિત કરવા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરે પણ બાળકોને આવકારી તેમની સાથે સંવાદ સાધ્યો હતો.સંવાદ પૂર્ણ થયા બાદ બાળકોએ ઉત્સાહભેર જિલ્લા સેવા સદન સ્થિત 36 જેટલી વિવિધ સરકારી કચેરીઓ અને શાખાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બાળકોએ સરકારી કામગીરીની પદ્ધતિ, સેવાઓ અને પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા ચિલ્ડ્રન હોમના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની બાળાઓએ જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લીધીઆ કાર્યક્રમ અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની બાળાઓએ મોરબી જિલ્લા માહિતી કચેરીની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરા દ્વારા બાળાઓને ભવિષ્યના વિકાસ અને કારકિર્દી ઘડતર માટે ‘રોજગાર સમાચાર’, ‘કારકિર્દી માર્ગદર્શન’ અને ‘ગુજરાત પાક્ષિક’ એમ ત્રણ પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા. બાળાઓને આ પુસ્તકોનો અભ્યાસ કરી વિવિધ રોજગારીની તકો અને કારકિર્દીના વિકલ્પોનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.#Morbi #CoffeeWithCollector #MorbiCollector #SevaSankalp #ChildrenHome #MorbiUpdates #MorbiNews #GujaratNews