કોલસો નવલખીથી ભરીને નવા સાદુળકા ખાલી કરવાને બદલે બારોબાર ખાલી થતો હોય ત્યાં જ તાલુકા પોલીસની ટિમ ત્રાટકીમોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં કમલ કારખાના પાછળ આવેલ કોલસાના ડેલામાં ઇન્ડોનેશીયન કોલસાની ચોરી કરવાના કૌભાંડનો તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને ભડીયાદ ગામની સીમમાં કમલ કારખાના પાછળ કોલસાના ડેલામાં ઇન્ડોનેશીયન કોલસાની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોવા અંગેની બાતમી મળી હતી. જે હકીકત આધારે આ જગ્યાએ જઇ રેઇડ કરતા એક ટ્રકનો ચાલક તથા એક લોડરનો ડ્રાઇવર વાહનમાં રહેલ કોલસો ટ્રકમાંથી નીચે ઉતારતા હોય જેથી મજકુર ઇસમોને પકડી પાડી પુછપરછ કરતા સદરહું ટ્રક તથા ડેલાના સંચાલકના કહેવાથી ટ્રકમાંથી કોલસો કાઢતા હોવાનું જણાવ્યુ હતું. આ ઇસમો પાસે કોલસા બાબતે આધાર પુરાવા માંગતા ટ્રક ચાલકે એક બીલની નકલ રજુ કરતા જે બીલમાં માલ નવલખીથી ભરેલ હોય અને નવા સાદુળકા ખાલી કરવાનો હોય તેમ છતા સદરહું જગ્યાએ એકબીજાની મદદથી આર્થિક લાભ મેળવવાના ઇરાદે માલીકની જાણ બહાર કોલસાની ગે.કા. પ્રવૃતિ કરી વિશ્વાસઘાત કરેલ હોવાનું જણાતું હતું.જેથી ટ્રક ચાલક જીવરાજભાઇ વિઠ્ઠલભાઈ સાથલીયા અને લોડર ચાલક રાકેશ સાવરા વસુનીયાને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે ડેલાના સંચાલક નવઘણભાઇ જશાભાઇને પકડી પાડવા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સાથે પોલીસે ટ્રક, લોડર, કોલસો મળી રૂ. ૨૩,૦૫,૪૯૯/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સેક્ટર કે.એ.વાળા તથા પો.સ.ઈ. બી.એમ.બગડા, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઈ અજાણા, જયદીપભાઇ પટેલ, પંકજભાઇ ગુઢડા, કુલદિપભાઇ કાનગડ, ભગીરથભાઇ લોખીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા રોકાયેલ હતા.