વેરા-વાણિજ્ય અધિકારીએ કોલ પેઢી ચલાવતા ચાર શખ્સો સામે ટેક્સ ચોરીની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ કોલસાને પેઢીએ રૂ. 130 કરોડના સીએસટી અને વેટ વેરો ન ભરીને સરકારી તિજોરીને નુકશાન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં વેરા-વાણિજ્ય અધિકારીએ આ કોલસાની પેઢી ધરાવતા ચાર શખ્સો સામે ટેક્સ ચોરી કર્યાની બી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2009થી 2016 સુધીમાં કોલસાનું ખરીદ-વેચાણ કરીને ટેક્સ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. મોરબીના વેરા-વાણીજય વિભાગના પુજાબેન ચંદુલાલ વશ્નાણીએ આરોપીઓ ઇસુ વી. એસ. નારંગ (રહે. ૪૧૧ માયહાઉસ નવદ્વીપ વાયુબ્લોક માધાપુર હૈદરાબાદ), ચંદુલાલ હરજીભાઇ પટેલ (રહે. ૨૦૨ પંચરત્ન એપાર્ટમેન્ટ તીલક રોડ હૈદરાબાદ), રૂદ્રરાજુ શ્રીનીવાસ શાહ (રહે પ્લોટ નં.૯ રોડ નં.૯ જ્યુબીલી હીલ્સ હૈદરાબાદ), યુનુશ જીઆઉલા સેરીફ (રહે અલબારકા ગોલ્ડન એન્ક્લેવ એરપોર્ટ રોડ બેંગલોર-કર્ણાટકા) સામે ફરિયાદ નોંધાવી હતી કે મોરબી નેશનલ હાઇવે ઉપર સીરામીક પ્લાઝામા શોપ નં. ૧૩માં આરોપીઓએ વેટ કાયદા હેઠળ અને કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી કરાવી ક્યોરી ઓરેમીન લીમીટેડ નામની કોલ (કોલસા)ની પેઢી શરૂ કરી હતી અને કોલનો ખરીદ-વેચાણનો વ્યવસાય કરતા હતા. આરોપીઓએ આ વ્યવસાયથી સરકારને ભરવાનો થતો સી.એસ.ટી. તથા વેટ વેરો વર્ષ ૨૦૦૯/૧૦ થી વર્ષ ૨૦૧૬/૧૭ સુધીનો કુલ રૂપિયા- ૧૩૦૩૮૭૮૯૮૪ નો સી.એસ.ટી. તથા વેટ વેરો સરકારમા ભર્યો વેરો ન હતો. આ વેરો ન ભરીને સરકાર સાથે છેતરપીંડી તથા વિશ્વાસધાત કર્યો હતો. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુજરાત મુલ્ય વર્ધી વેરા અધિનયમ-૨૦૦૩ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.