ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક નિર્ણય લેવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ની માંગ મોરબી : મોરબીમા ટ્રાફિક સમસ્યા ઘેરી બની રહી છે. ત્યારે તેના ઉકેલ માટે મણીમંદિરથી શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સુધી ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ સાથે ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેર એ વિકસતું શહેર છે. મોરબી ઔદ્યોગિક રીતે ખુબજ મહત્વનું શહેર છે. જેની માથા દીઠ આવક સમગ્ર ભારતમાં નંબર વન છે. મોરબીના ઉદ્યોગો સરકારને ખુબજ મોટી ટેક્ષની આવક કરાવે છે. તેમજ એક્ષ્પોર્ટ દ્વારા ખુબજ મોટું વિદેશી હુંડીયામણ લાવી આપે છે. આવા મોરબી શહેરમાં હાલમાં ખુબ જ મોટી ટ્રાફિકની સમસ્યા ઉદભવેલી છે. દરરોજ ખુબજ મોટી વાહનોની લાઈનો થાય છે. આનાથી લોકો પરેશાન છે. મોરબી એક જમાનામાં સૌરાષ્ટ્રનું પેરીસ કહેવાતું હતું. સુંદર રસ્તાઓ અને ગટર વ્યવસ્થા રાજાશાહી વખતમાં પણ હતી. હાલમાં આ મોરબીમાં જો ટ્રાફિક સમસ્યા હલ કરાવી હોય તો, એક માત્ર સરળ રસ્તો છે કે, મોરબીના મણીમંદિરથી ઓવેરબ્રીજ બનાવીને તેને શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે પૂરો કરવામાં આવે. જો આવો ઓવરબ્રીજ બનાવવામાં આવે તો મોરબીની જનતાનો આ ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો થાય તેમ છે. તો તાત્કાલિક મોરબીમાં ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી માંગણી છે.