અનેક શાળાઓ ધરાવતા સતત ધમધમતા માર્ગ પર દિવસે કામગીરી શરૂ કરાતા વાહનચાલકો અને વિદ્યાર્થીઓ અટવાયા, રાત્રે કામ કરવા અથવા ડાયવર્ઝન આપવા લોકોની માંગમોરબી : મોરબીમાં તંત્રની આયોજનવિહોણી કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. શહેરના સતત ધમધમતા એવા કન્યા છાત્રાલય રોડ પર મહાનગરપાલિકા દ્વારા કોઈ લાઈન નાખવા માટે અચાનક રસ્તો ખોદી નાખવામાં આવતા સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, કન્યા છાત્રાલય રોડ પર કન્યા છાત્રાલય, ઓમ વીવીઆઇ અને ઓમ શાંતિ સહિતની અનેક શાળાઓ અને કોલેજો આવેલી છે. અહીં અનેક રહેણાંક સોસાયટીઓ પણ આવેલી હોવાથી રોડ સતત વ્યસ્ત રહે છે. ખાસ કરીને શાળાઓ છૂટવાના પીકઅવર્સ દરમિયાન આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ સૌથી વધુ હોય છે. આવા વ્યસ્ત સમયે જ તંત્ર દ્વારા મધવચ્ચે રસ્તો ખોદી નાખવામાં આવતા અહીં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સાંકડા રસ્તામાંથી પસાર થવા માટે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીઓ તેમજ વાહનચાલકો અટવાયા હતા.સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આ પ્રકારની ખોદકામની કામગીરી રાત્રિના સમયે કરવામાં આવે જેથી દિવસ દરમિયાન લોકોને ટ્રાફિકની સમસ્યા ન નડે. જો દિવસે કામ કરવું અનિવાર્ય જ હોય, તો વાહનચાલકો માટે કોઈ અન્ય માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવે. રોડનું કામ શરૂ કરતા પહેલા કોઈ યોગ્ય વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે.લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે મહાપાલિકા દ્વારા પૂર્વ આયોજન કર્યા વિના જ મુખ્ય રોડ ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે નિર્દોષ જનતાને ટ્રાફિકમાં ફસાઈને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.#Morbi #MorbiUpdate #TrafficJam #MorbiMunicipalCorporation #KanyaChhatralayaRoad #PublicIssue #GujaratNews #MorbiCity