અનેક વિસ્તારોમાં પાણી હજુ ભરાયેલા : રાત્રીના લાઈટ ગુલ થવાની અનેક ફરિયાદો ઉઠી : તા.11 સુધી આવું જ વાતાવરણ રહે તેવી આગાહીમોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે કમોસમી વરસાદ પડ્યા બાદ આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેના કારણે ગરમીથી રાહત મળી છે. બીજી તરફ આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોરબી જિલ્લામાં ગઈકાલે રાત્રીના ચોમાસા જેવા માહોલમાં ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં 2 મીમીથી લઈ 17 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં હળવદમા 17 મીમી, મોરબી અને વાંકાનેરમાં 10 મીમી, ટંકારામાં 9 મીમી તેમજ માળીયા મિયાણામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં 40મીમી વરસાદ નોંધાયો હતો.રાત્રીના વરસાદની સાથે તેજ પવનને કારણે અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ જવાની ફરિયાદો ઉઠી હતી. બીજી તરફ આજે પણ હજુ અનેક જગ્યાએ પાણી ભરાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી તા.11 સુધી આવો વરસાદી મહિલા ચાલુ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનીય છે કે માવઠાને કારણે ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે.