માળિયામાં સૌથી વધુ 62 મીમી જ્યારે ટંકારામાં 51 મીમી વરસાદ વરસ્યોમોરબી : લાંબા ઇન્તજાર બાદ અંતે મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર મેઘમહેર વરસાવી છે જેમાં ગતરાત્રીના 12 વાગ્યા બાદ જોરદાર પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા મોરબી જિલ્લામાં સાર્વત્રિક બેથી અઢી ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.સાથે જ જીલ્લામાં તમામ ડેમ સાઇટ પર પણ શ્રીકાર વરસાદ વરસતા જળાશયોમાં નવી જળરાશી આવી છે.મોરબી શહેર અને જિલ્લામાં ગઈકાલે સવારથી વરસાદી વાતવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યા બાદ રાત્રીના 12 વાગ્યા બાદ જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસતા આજે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં માળીયા મિયાણામાં 62 મીમી, મોરબીમાં 60 મીમી, ટંકારામાં 51 મીમી, વાંકાનેરમાં 61મીમી અને હળવદમાં 57 મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મોરબી જિલ્લાના તમામ ડેમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેમાં ડેમી-3 પર 25 મીમી, મચ્છુ-2 પર 32મીમી, મચ્છુ-1 પર 57મીમી, ડેમી-2 પર 35મીમી, ઘોડધ્રોઈ ડેમ પર 53 મીમી, ડેમી-1 પર 60મીમી, બંગાવડી ડેમ પર 62 મીમી, બ્રાહ્મણી-1 ડેમ પર 65મીમી, બ્રાહ્મણી-2 ડેમ પર 65મીમી અને મચ્છુ-3 પર 49 મીમી વરસાદ વરસતા તમામ જળાશયોમાં નવા નિરની આવક થઈ હતી.