2017મા એનજીટીએ કરેલી દંડનીય કાર્યવાહી બાદ પણ 25 ટકા દંડની રકમ ભરપાઈ ન થતા જીપીસીબી ગાંધીનગરથી આખરી નોટિસો ફટકારાઈમોરબી : એક્સપોર્ટ ઓર્ડરોમાં ભાડાવધારા અને ડોમેસ્ટિક માર્કેટમાં મંદી વચ્ચે મોરબીના 150થી વધુ સિરામિક એકમોમાં શટડાઉનની તૈયારી વચ્ચે હવે મોરબીના સિરામિક ક્લસ્ટર માથે ક્લોઝરની તલવાર લટકી રહી છે, કોલગેસ મામલે 2017મા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ફટકારેલો દંડ સાત વર્ષ પછી પણ ભરપાઈ ન થતા અંતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર દ્વારા મોરબીમા કોલગેસનો ઉપયોગ કરનારા 580 એકમોને આખરી નોટિસ ફટકારી છે, બીજી તરફ આખરી નોટિસોને પગલે હવે સિરામિક ઉદ્યોગકારો પણ દિશાહીન બન્યા છે અને બે દિવસમાં ગેઝિફાયર ઉપયોગ કરી દંડનાર તમામ ઉદ્યોગકારોની અગત્યની બેઠક મળી રહી હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા કોલગેસનો ઉપયોગ કરવામાં આવતા કોલગેસથી જમીન અને પાણીને થયેલ નુકશાન અને પ્રદુષણ ફેલાવવા મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મોરબીના 580 એકમોને કરોડો રૂપિયાનો આકરો દંડ ફટકારતા સિરામિક ઉદ્યોગકારો એનજીટીના દંડ સામે અપીલમાં જતા નિયમ મુજબ 25 ટકા દંડની રકમ ભરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેની સામે હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટે પણ આ જ આદેશ કરતા સિરામિક ઉદ્યોગકારોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા સુપ્રીમે અપીલ ફગાવી દેતા મામલો ગૂંચવાયેલ હતો.બીજી તરફ સાત વર્ષ જુના નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વખતો વખત માંગણા નોટિસ ઇશ્યુ કરવા છતાં પણ 580 સિરામિક એકમો દ્વારા દંડની 25 ટકા રકમ ભરપાઈ કરવાને બદલે સમય પસાર કર્યે રાખતા અંતે 1 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર દ્વારા તમામ કોલગેસ પ્લાન્ટ ધરાવતા 580 એકમોને આખરી નોટિસ ફટકારી છે.દરમિયાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર દ્વારા ફટકારવામાં આવેલ આખરી નોટિસ બાદ હવે ક્લોઝર સુધીના પગલાં પણ તોળાઈ રહ્યા હોય મોરબીના કોલગેસ પ્લાન્ટ ધરાવતા તમામ ઉદ્યોગકારોએ બે દિવસમાં અગત્યની બેઠક બોલાવી હોવાનું અને આ બેઠકમાં કેટલા ટકા દંડની રકમ ભરવી તે અંગે પરસ્પર સમજૂતી કરવામાં આવનાર હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.