મોરબી: માધાપરવાડી વિસ્તાર ખાતે આવેલ સોનપુરીમાં ગેસ આધારિત સ્મશાન ગૃહ બિલ્ડીંગનું શુક્રવારે ખાતમહુર્ત થવા જઈ રહ્યું છે. ત્યારે આસપાસના વિસ્તારોના લોકોને સ્વજનોની અંતિમક્રિયા માટે નજીકમાં જ વધુ સુવિધા ઉપલબદ્ધ થશે. તારીખ 15 જાન્યુઆરીને શુક્રવારે પંચાસર રોડ, નીલકંઠ સર્કલ ખાતે માધાપરવાડી સોનપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવી ગેસ ભઠ્ઠી માટેના બિલ્ડીંગનું ખાતમહુર્ત સવારે 9 કલાકે થશે. મોરબીમાં નવનિર્મિત થવા જઈ રહેલી ગેસ આધારિત આ ત્રીજી ભઠ્ઠી છે. મોરબીનો વિસ્તાર અને વસ્તાર વધતા હાલ કાર્યરત બે ભઠ્ઠી ઘણી વખત ઓછી પડતી હોવાથી આ ત્રીજી ગેસ આધારિત ભઠ્ઠીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ઉક્ત સ્થળે છેલ્લા 40 વર્ષોથી સ્મશાન તો હતું જ પણ ગેસ આધારિત ભઠ્ઠીની જરૂરિયાત ઘણા સમયથી વર્તાતી હતી. અંદાજીત રૂપિયા 35 લાખના ખર્ચે મોરબીમાં વધુ બે ભઠ્ઠી અહીં કાર્યરત થશે. એટલે એક જ સમયે બે મૃતદેહોની અંતિમવિધિ અહીં થઈ શકશે. આ કાર્ય અંદાજે ચાર મહિનામાં પૂરું થવાની ધારણા રખાઈ રહી છે. ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ કણઝરીયા (નગરપાલિકાના પૂર્વ સદસ્ય)ના જણાવ્યાનુસાર આ ભઠ્ઠીઓ કાર્યરત થતા આસપાસની 15 કિલોમીટરની ત્રિજ્યમાં વસવાટ કરતા નાગરિકોના સ્વજનોની અંતએષ્ઠી અહીં થઈ શકશે.