શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાઈની કામગીરી લેવાતા રોષ વખતો વખત ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં રજુઆતો કરવા છતાં વર્ષોથી પ્રશ્ન વણ ઉકેલ્યો મોરબી : મોરબી જિલ્લાની રચના થયા બાદ શિક્ષણ વિભાગમાં બિનકાયદેસર રીતે શિક્ષકોનું શોષણ કરવામાં આવતું હોય તેવો ઘાટ રચાયો છે. મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં તેમજ તમામ તાલુકાની શિક્ષણ શાખાઓમાં શિક્ષકોના શાળામાંથી કામગીરી ફેરફારના હુકમ કરી, કારકુનની કામગીરી કરાવવામાં આવે છે. પરિણામે શાળાઓમાં શિક્ષકોની ઘટ ઉભી થાય છે. રાઈટ ટુ એજ્યુકેશન એકટમાં શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી લેવાની સ્પષ્ટ ના હોવા છતાં શાળામાં રહેલા શિક્ષકોને ક્લાર્ક બની ગયેલા શિક્ષકોના ધોરણો વિષયો ભણાવવા પડે છે. સતત લેવાતી એકમ કસોટીઓ, નિદાનાત્મક કસોટીઓ, સત્રાંત કસોટી,વાર્ષિક કસોટીઓ આમ વર્ષ દરમ્યાન એક એક વિદ્યાર્થીઓ ચાલીસ - ચાલીસ જેટલા પેપરો ચકાસવા, સ્કેન કરવા ઓનલાઈન કરવા વગેરે કામગીરી કરવી પડતી હોય કામગીરી ખુબજ ભારરૂપ લાગે છે અને બે શિક્ષકનું કામ એક શિક્ષક કરતો હોય વિદ્યાર્થીઓ ગુણવત્તા પણ નબળી રહે છે. અગાઉ વિધાનસભામાં બ્રિજેશભાઈ મેરજા ધારાસભ્ય દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભગવાનજીભાઈ બારડ ધારાસભ્ય ગીર સોમનાથ દ્વારા પણ આ બાબતનો પ્રશ્ન ઉઠાવેલ છે. સમગ્ર રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં શિક્ષકો પાસેથી વિવિધ પ્રકારની શિક્ષણ સિવાયની કામગીરી લેવામાં આવે છે. શિક્ષકમાંથી સી.આર.સી. બી.આર.સી બની ફરી પાછા શિક્ષક થયેલા હોય એમને શાળા માંગી લીધી છે પણ સી.આર.સી.ની જગ્યાઓ ભરાતી ન હોય રાજીનામું આપી દીધેલ હોવા છતાં શાળામાં હાજર થયેલ ન હોવના કારણે જગ્યાએ ખાલી છે. એવી જ રીતે સ્કૂલ ઈન્સ્પેકટર તરીકેની કામગીરી અને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની કામગીરી પણ શિક્ષકો પાસેથી લેવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી છે અને બાકી શાળામાં વધેલા શિક્ષકોનું કામગીરીનું ભારણ વધે છે, બીજી બાજુ આવી કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને બાળકોને ભણાવવાની અને શાળા કક્ષાની વિવિધ કામગીરીની લપમાંથી મુક્તિ મળી ગઈ હોય એમને શિક્ષણ સિવાયની કામગીરી કરવી ગમતી હોવાથી અને પોતાના તથા પોતાના લાગતા વળગતાઓના વહીવટી કામો સરળતાથી થઈ જતા હોવાથી છેલ્લા સાત-સાત વર્ષથી શિક્ષણ શાખાઓમાં કારકુનની કામગીરી હોંશપૂર્વક કરી રહ્યા છે અને પોતે મૂળ એક શિક્ષક છે એ ભૂલી ગયા છે. પણ વર્ષોથી આ બધાના વર્ગના બાળકો શિક્ષણથી વંચિત છે એની તંત્રને કે આ કારકુનની કામગીરી કરતા શિક્ષકોને જરા પણ ચિંતા કે પરવા નથી.