મોરબી: શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કાર્યરત 'ક્લીન અપ મોરબી' ટીમ દ્વારા આજ રોજ રવિવારે ફરી એકવાર સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ટીમના 15 જેટલા ઉત્સાહી સભ્યોએ માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં શ્રમદાન કરી 2 ટ્રેક્ટર જેટલો કચરો એકત્ર કર્યો હતો.આજ રોજ સવારે મોરબીના માર્કેટિંગ યાર્ડની બાજુમાં અને છોટાલાલ પેટ્રોલ પંપ સામેના વિસ્તારમાં જ્યાં લાંબા સમયથી મોટા કચરાના ઢગલા પડ્યા હતા, ત્યાં આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ક્લીન અપ મોરબી ટીમના 15 યુવાનો જોડાયા હતા અને જોતજોતામાં ત્યાંથી ગંદકી દૂર કરી 2 ટ્રેક્ટર ભરાય તેટલો કચરો એકત્ર કર્યો હતો.કાયમી ઉકેલ માટે તંત્રનું ધ્યાન દોરાયુંમાત્ર સફાઈ કરીને સંતોષ માનવાને બદલે ટીમે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ પ્રયાસો કર્યા છે. આ વિસ્તારમાં સમયાંતરે સફાઈ થતી રહે તે માટે મોરબી મહાનગરપાલિકાની એપ્લિકેશન પર સત્તાવાર ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આસપાસમાં ગાયના ઘાસચારાના વેચાણને લીધે જે કચરો અને ગંદકી ફેલાઈ રહી હતી, તે બાબતે પણ જે-તે વિક્રેતાઓને કચરો ન કરવા અને સ્વચ્છતા જાળવવા સમજાવટ સાથે રજૂઆત કરવામાં આવી હતી.નાગરિકોને અપીલઉલ્લેખનીય છે કે, 'ક્લીન અપ મોરબી' ટીમ દ્વારા દર રવિવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે સફાઈ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. ટીમે મોરબીની સ્વચ્છતાપ્રિય જનતાને આહવાન કર્યું છે કે તેઓ પણ આ ગ્રુપમાં જોડાય અને મોરબીને સ્વચ્છ રાખવામાં પોતાનો સહયોગ આપે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તમારી આસપાસ ક્યાંય કચરો જણાય તો સ્વયંભૂ સાફ કરો અથવા મહાનગરપાલિકાની એપ્લિકેશન પર ફોટા સાથે ફરિયાદ કરો, જેથી તંત્રનું ધ્યાન દોરાય અને શહેર સ્વચ્છ રહી શકે.