માસિક રૂ. 1770ને બદલે ટોકન ચાર્જ રૂ. 500 વસૂલવા માંગ : આગામી સમયમાં લેખિત રજૂઆત કરાશે મોરબી: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબીના વાવડી રોડ પર શાકભાજી વેચતા લોકો પાસેથી વસૂલવામાં આવતા ઊંચા ચાર્જનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, વાવડી પંચાયતની જગ્યા પર લારીઓ રાખીને ધંધો કરતા વેપારીઓ પાસેથી મહાપાલિકા દ્વારા માસિક રૂ. 1500 વહીવટી ચાર્જ અને રૂ. 270 GST એમ કુલ રૂ. 1770 વસૂલવામાં આવે છે. જેનો શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખે આ ચાર્જને અયોગ્ય ગણાવતા કહ્યું કે, જે લોકો રોજનું કમાઈને ખાય છે તેમની પાસેથી આટલી મોટી રકમ વસૂલવી વ્યાજબી નથી. તેમણે નાના વેપારીઓ વતી માગણી કરી છે કે માસિક રૂ. 1770ને બદલે નજીવો ટોકન ચાર્જ રૂ. 500 વસૂલવામાં આવે. આ અંગે મોરબી શહેર કોંગ્રેસ દ્વારા મહાપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.