મોરબી : આજરોજ શનાળા રોડ પરના શ્રી ચિત્રા હનુમાનજી મંદિર ખાતે જીવદયા પ્રેમીઓ માટે આ કાળજાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી દ્વારા માટીના પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 700થી વધુ કુંડાનું વિતરણ કરાયું હતું. આ સેવાકીય જીવદયા કાર્યમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળના પ્રમુખ સાથે મંડળના તમામ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ભીખાભાઈ લોરિયા, હરખજીભાઈ સુંવારિયા, ચંદુભાઈ કડિવાર, પ્રાણજીવનભાઈ રંગપડિયા સહિત અનેક સભ્યો તથા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સભ્યો અમરસિભાઈ, નાનજીભાઈ, કેશુભાઈ, પી. એ. કાલરીયા તેમજ લા ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ કેટલાક સેવાભાવી સભ્યોની હાજરીથી આ સેવાકીય પ્રવૃતિમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.સાથો સાથ ચિત્રા મંડળના તમામ સભ્યો અને મંદિર પર હાજર તમામ વડીલોને ટોબરીયા હનુમાનજી મંદિર ગૌશાળાના પ્રમુખ સેવક હરખજીભાઈ તરફથી તમામને નાસ્તો તથા ચા પાણી આપવામાં આવ્યા હોવાનું ચિત્રા હનુમાનજી મંડળના પ્રમુખ ટી.સી. ફુલતરિયાની યાદીમાં જણાવાયું હતું.