મોરબી : આગામી તા.૧૪/૦૧/૨૦૨૦ નાં મકરસંક્રાંતિનો તહેવાર આવતો હોય મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ તહેવાર નિમિત્તે કેટલાક લોકો જાહેરમાર્ગો/રસ્તાઓ ઉપર પતંગ ઉડાવે છે અને કપાયેલ પતંગો અને દોરા વિગેરે મેળવવા હાથમાં લાંબા ઝંડા, વાંસ વિગેરે લઇ રસ્તાઓ, ગલીઓ, શેરીઓમાં દોડા-દોડી કરતા હોય છે. જેના કારણે ટ્રાફિકમાં અડચણ થાય છે તેમજ રસ્તા ઉપર, ગલીઓમાં-શેરીઓમાં ટેલિફોન/ઇલેક્ટ્રીકના તાર ઉપર લંગર નાખી ભેરવાયેલા પતંગ કાઢવાનો પ્રયત્નો કરે તેથી બે ઇલેક્ટ્રીક વાયરો ભેગા થવાથી શોર્ટ-સર્કિટની તથા તાર તૂટી જવાની સંભાવના રહેલી છે. વધુમાં ઘણા લોકો પતંગ ઉડાવવા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતાં હોય છે. આ ચાઇનીઝ દોરો કોઇ વ્યક્તિના શરીર પર પડે ત્યારે તે વ્યક્તિના શરીરના અંગો કપાઇ જવાનો ભય રહે છે તથા પતંગ ઉડાવવાના દોરાના કારણે પક્ષીઓને ઇજા અને તેમના મૃત્યુ પામવા જેવા પ્રસંગો પણ બનતા હોય છે. ઉપરાંત, સરકારના ગૃહ વિભાગ, ગાંધીનગરના તા.૨૧/૧૨/૨૦૧૮ના પત્ર નં.વિ.૨/ડી.એસ.એમ./૧૩૨૦૧૬/હા.કો.૦૨(પા.ફા.) અનુસાર તથા તાજેતરમાં છેલ્લા કેટલાંક સમયના અનુભવ પરથી જણાયેલ છે કે ઉતરાણ/અન્ય તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. આ ઉપરાંત સળગતું તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપત્તિને નુકશાન થાય છે. આથી, આ પ્રકારના પ્રસંગો બનતા અટકાવવા તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટના તા.૨૨/૧૨/૨૦૧૫ ના આદેશ મુજબ મોરબી જિલ્લાના સમગ્ર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં અને રસ્તામાં ફુટપાથ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૫/૦૧/૨૦૨૦ સુધી ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા ઉપર હંગામી પ્રતિબંધ માટે CRPC – 144હેઠળ પ્રતિબંધક જાહેરનામાથી શ્રી કેતન પી. જોષી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩(૧૯૭૪ નો ૨-જો અધિનિયમ) ની કલમ – ૧૪૪ અન્વયે મળેલ અધિકારની રૂએ નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. પ્રતિબંધિત કૃત્યો કોઇપણ વ્યક્તિના જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાવવા પર, હાથમાં લાંબા ઝંડા, વાંસના બાંબુઓ, વાંસની પટ્ટીઓ, ધાતુનાં તારનાં લંગર કે વાંસ વિગેરેની મદદથી કપાયેલ પતંગો કે દોરા મેળવવા પર, ટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર ઉપર લંગર કે દોરી નાખવા ઉપર, જાનનું જોખમ થાય તે રીતે રસ્તા ઉપર કે ભયજનક ધાબા પર ચડીને પતંગ ઉડાવવા ઉપર, આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા ઉપર, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા ઉપર, પ્લાસ્ટિક/સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી/ ચાઇનીઝ માંજાના પાકા દોરા તથા ચાઇનીઝ પ્લાસ્ટિકની બનાવટના ચાઇનીઝ દોરા તથા આયાતી દોરાનાં જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના પતંગ ઉડાવવા ઉપર, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ ઉપર/ ઉડાવવા ઉપર મનાઇ ફરમાવેલ છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.