માતા-પિતાના અભાવે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ભારતી વિદ્યાલયના પ્રમુખ હિતેશભાઈ મહેતાનુ ફી માફ કરવાનું સરાહનીય કાર્ય મોરબી : મોરબી-૨ વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલયના પ્રમુખ હિતેષભાઇ મહેતા દ્વારા કોરોનામા માતા-પિતા ગુમાવેલ હોય તેવા બાળકોને મફત શિક્ષણ આપવાનું સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં માત્ર આંગળી ચીંધીને પણ પુણ્ય મેળવી શકાતું હોય આપની આજુબાજુમાં જો કોઈ આવા બાળકો હોય તો જાણ કરવા અપીલ કરાઈ છે. છેલ્લા ૩૩ વર્ષથી મોરબી-૨ વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા તેમજ પ્રમુખ હિતેષભાઇ મહેતા કે જેઓ શૈક્ષણિક સંસ્થા તેમજ અવનવી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે. કોરોનાની આ ગંભીર મહામારીમા ઘણા વ્યવસાયને નુકસાન થયેલું છે. તેમજ ઘણા બાળકોનું શિક્ષણ કાર્ય પણ ઠપ્પ થયેલું છે. ઉપરાંત આ મહામારીમા બાળકોએ માતા-પિતાને પણ ગુમાવ્યા છે. શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ આવા બાળકોનું શિક્ષણ કાર્ય બંધ ના થાય તે માટે ધો. ૧ થી ૧૨ શાળામાં જ્યાં સુધી અભ્યાસ કરે તે સમયગાળા દરમિયાન તમામ શૈક્ષણિક ફી માફ કરવાનું નક્કી કરેલ છે. શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતા જણાવે છે કે, આ સંસ્થામાં દર વર્ષે આશરે ૪૦ થી ૫૦ જેટલા બાળકો મફત શિક્ષણ મેળવી રહ્યા છે. આવા બાળકો જો આપ કોઈના ધ્યાનમાં હોય કે આપને જાણ હોય તો આપ કોઈપણ સમયે અમને સંપર્ક કરો કે જેથી તેમનું ભવિષ્ય ઉજળું થઇ શકે. આ માટે ભારતી વિદ્યાલય ગિરિરાજ સોસાયટી, ઉમા ટાઉનશીપ પાસે, સર્કિટ હાઉસ રોડ, મોરબી-૨ ખાતે સવારે ૯ થી ૧૨ હિતેષભાઇ મહેતા મો.નં. ૯૯૭૮૯ ૮૩૯૮૬ / ૯૮૨૫૫ ૮૩૯૮૬ નો સંપર્ક કરવા જણાવાયું છે.