વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડ પ્રાથમિક શાળા સીઆરસી જૂના કણકોટમાં વિદ્યાર્થીઓના આનંદદાયી શિક્ષણ અને સર્જનાત્મક કૌશલ્યના વિકાસ માટે સરકાર દ્વારા નિમ્ન પ્રાથમિક વિભાગ માટે બાળમેળો અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે લાઇફ સ્કીલ મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેશી રમતો, નાટક, અભિનય ગીત, ચિત્રકામ, ચિટકકામ, કાતરકામ, માટીકામ બાળફિલ્મ વગેરે આનંદદાયી પ્રવૃતિઓનું આયોજન નિમ્ન પ્રાથમિક વિભાગ માટે કરવામાં આવ્યું હતું. જ્યારે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વાનગી અને વેપાર મેળો, વિવિધ વ્યાવસાયિક કૌશલ્ય વિકાસની પ્રવૃતિઓ જેમ કે પંચર સાધવું, પ્લમ્બિંગ કામ, ઇલેક્ટ્રિક કામ, બાગકામ વગેરે સંબંધિત પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય ધોરણ - 6 થી 8 ના વિદ્યાર્થીઓએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. જેમાં તલાટી મંત્રી ઉપાસનાબા ઝાલા દ્વારા સમગ્ર પંચાયતી કામગીરી વિશે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત શાળાના શિક્ષકગણએ ઉઠાવી હતી તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું હતું.