શિક્ષણનું તમામ પ્રકારનું સાહિત્ય વોટ્સએપમાં મોકલી બાળકોને શિક્ષણ સાથે હોમવર્ક અને તમામ મુંઝવતા પ્રશ્નોનું આપતું સચોટ માર્ગદર્શન ટંકારા : હાલમાં કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે તમામ શાળાઓમાં પણ લાંબા સમયથી શિક્ષણ કાર્ય બંધ છે. પરંતુ બાળકો આ રજા દરમ્યાન શિક્ષણથી વંચિત ન રહે અને સતત મહાવરો ચાલુ રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા વિકલી સ્ટડી ફ્રોમ હોમ અંતર્ગત સાહિત્ય મોકલવામાં આવે છે. જે સાહિત્ય બી.આર.સી.કો-ઓર્ડિનેટર મારફત સી.આર.સી. અને શિક્ષકોને મોકલવામાં આવે છે. શિક્ષકો આ સાહિત્ય વિદ્યાર્થીઓના વાલીઓને વોટ્સએપના માધ્યમથી મોકલી આપે છે તેમજ બાળકો તેનું કાર્ય કરે છે કે કેમ તેનું ફોલોઅપ પણ તાલુકાના તમામ શિક્ષકો દ્વારા લેવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને જો કોઈ મૂંઝવણ હોય તો તેનું યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત જી.સી.ઈ. આર.ટી. ગાંધીનગર તરફથી દરરોજ 'પરિવારનો માળો - સલામત અને હૂંફાળો' અંતર્ગત સાહિત્ય મોકલવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓની મનોસામાજિક માવજત માટેનું સાહિત્ય જેમ કે બાળવાર્તા, ગીત, પ્રવૃત્તિ, રમત, સંદેશ, જંતરમંતર જેવું સાહિત્ય મોકલવામાં આવે છે. આ સાહિત્ય પણ બી.આર.સી.-સી.આર.સી. કો-ઓર્ડિનેટર દ્વારા શિક્ષકો મારફત વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આવી રહ્યું છે અને તેનો તમામ બાળકો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.ધો.5 થી 8 ના બાળકો માટે હોમવર્ક માટેની વેબલિન્ક મોકલીને તેના દ્વારા પણ સાહિત્ય પૂરું પાડવામાં આવે છે. તેમજ તાલુકાની ઘણી શાળાઓ ઓનલાઈન કસોટી તૈયાર કરીને બાળકો ઘરે બેઠા કસોટી આપે છે તેમજ સારું પરિણામ મેળવનારને પ્રોત્સાહન આપવામાં આવે છે. આમ ટંકારા તાલુકાના સરકારી પ્રાથમિક શાળાઓના બાળકો શિક્ષણકાર્યથી દૂર ન રહે અને સતત મહાવરો થતો રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીપાબેન બોડા, બી.આર.સી.કો-ઓર્ડિનેટર શ્રી કલ્પેશભાઈ ફેફર, તમામ સી.આર.સી. તેમજ તમામ શિક્ષકો દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.