'બાળ મહાનગરપાલિકા'નો વિશેષ કાર્યક્રમ યોજાયો : ટ્રાફિક, સ્વચ્છતા અને ગ્રીન મોરબી જેવા મુદ્દાઓ પર બાળકોએ ચર્ચા કરી વહીવટી જ્ઞાન મેળવ્યુંમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી ચોક સ્થિત મહાનગરપાલિકાની કચેરીના સભાખંડમાં 'બાળકો દ્વારા સંચાલિત બાળ મહાનગરપાલિકા' ની બોડી બેઠક અને વિશેષ સામાન્ય સભા યોજાઈ હતી. બાળકોમાં લોકશાહી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રત્યે સમજણ કેળવાય તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં પ્રથમ વખત બાળકોને મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ બનાવવામાં આવ્યા હતા.જેવી રીતે બાળકોની સંસદ હોય છે, તેવી જ રીતે આ બાળ મહાનગરપાલિકામાં બાળકોએ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન તરીકેની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, વહીવટી પાંખના કમિશનર, ડેપ્યુટી કમિશનર અને પ્રોજેક્ટ વહીવટકર્તા જેવા મહત્વના હોદ્દાઓની જવાબદારી પણ વિદ્યાર્થીઓ દ્વારા નિભાવવામાં આવી હતી.એજન્ડા મુજબ યોજાયેલી આ સામાન્ય સભામાં શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારીને લગતા વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા, 'ગ્રીન મોરબી' અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન (રિસાયકલિંગ), નવા બગીચા અને જાહેર સ્થળોનો વિકાસ તેમજ ચોમાસા બાદ રોગચાળો અટકાવવા ફોગિંગની કામગીરી જેવા મુદ્દાઓ પર બાળકોએ ગંભીરતાથી ચર્ચા કરી પોતાના સૂચનો અને જવાબો રજૂ કર્યા હતા.મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને વહીવટી જ્ઞાન મળે, કામગીરી કઈ રીતે થાય છે તેનો ખ્યાલ આવે અને ભવિષ્યના જાગૃત નાગરિક તરીકે તેઓ પોતાની સામાજિક જવાબદારી (સિવિક સેન્સ) સમજે તે હતો. આ નવતર પ્રયોગમાં મોરબીની સાર્થક વિદ્યામંદિર, નવયુગ વિદ્યાલય, ગ્રીન વેલી, નાલંદા વિદ્યાલય, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્મલ વિદ્યાલય અને તપોવન સ્કૂલના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી અને કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓએ આ સફળ આયોજન અંગે હર્ષ વ્યક્ત કર્યો હતો.#MorbiUpdate #MorbiMMC #BalMahanagarpalika #ChildrensParliament #CivicSense #FutureLeaders #MorbiNews #Morbi