ટંકારા : નવરાત્રિના પવિત્ર દિવસોમાં કચ્છ સ્થિત આશાપુરા માતાજીના મઢે દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રિકો પગપાળા જઈ રહ્યા છે. ત્યારે ટંકારાના મિતાણા ગામના બાળ મિત્રોએ ભક્તિ અને સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 14 સપ્ટેમ્બર ને રવિવારે રજાના દિવસે શ્યામ ગરચરની આગેવાની હેઠળ ઓમ ગરચર, હેતરાજ બસિયા, મેસૂર બસિયા, સૂરજ કુંભરવાડિયા, મોહિલ ગોગરા, ક્રિષ બસિયા, જેનીલ બસિયા, રુદ્ર બસિયા અને ફેઝ લઘડ સહિતના બાળ મિત્રોએ પોતાના સ્વ ખર્ચે લીંબુ સોડા અને લીંબુ શરબતની વ્યવસ્થા કરી હતી.નવરાત્રિ દરમિયાન માતાના મઢે જતા પદયાત્રીઓને ઠંડા પીણાંની સેવા આપી આ બાળકોએ પોતાની ભક્તિ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના પ્રગટ કરી હતી. આ પહેલથી યાત્રીઓને ગરમીમાં રાહત મળી, અને ગામના બાળકોના આ નાનકડા પણ હૃદયસ્પર્શી પ્રયાસની સૌએ પ્રશંસા કરી હતી.