કલાનગરી મોરબીમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજકોટ જેવું બાલ ભવન બનાવવા અને ટાઉન હોલ ઝડપથી કાર્યરત કરવા કમિશનરને રજૂઆતમોરબી : મોરબી મહાનગરપાલિકાના કમિશનરને ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ રામ મહેતા દ્વારા એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં મોરબીના સુરજબાગમાં બની રહેલા નવા બગીચાની જગ્યામાં બાળકો માટે 'બાલ ભવન' બનાવવાની માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોરબીમાં આશરે ૩૦થી વધુ ડાન્સ અને સંગીત ક્લાસીસ ચાલી રહ્યા છે, તેમજ શાસ્ત્રીય સંગીત અને નાટ્ય સંસ્થાઓ પણ કાર્યરત છે. મોરબી એક કલાની નગરી છે, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે શહેરમાં એક પણ બાલ ભવન નથી. હાલમાં સુરજબાગ ખાતે નવો બગીચો બનાવવામાં આવી રહ્યો છે, જે સારી બાબત છે. પરંતુ ત્યાં ઉપલબ્ધ જગ્યામાં જો બાળકોના માનસિક અને શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે બાલ ભવન બનાવવામાં આવે, તો સંગીત, નાટ્ય, ડાન્સ, કરાટે જેવી તમામ પ્રવૃત્તિઓ એક જ સ્થળે એકસાથે થઈ શકે. રાજકોટમાં આવેલા બાલ ભવનની તર્જ પર મોરબીમાં પણ આવું ભવન બને તે અત્યંત જરૂરી છે.આ સાથે રજૂઆતમાં મોરબીના ટાઉન હોલને પણ ઝડપથી કાર્યરત કરવા જણાવાયું છે. ટાઉન હોલ શરૂ થવાથી નાટ્ય, સંગીત અને ડાન્સના શો યોજી શકાશે અને બહારથી આવતા સારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટકો પણ મોરબીની જનતા નિહાળી શકશે. આ માંગણીઓને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #BalBhavan #ChildrenDevelopmentFoundation #Surajbaug #MorbiMunicipalCorporation #ArtAndCulture