મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ત્રિમાસિક કામગીરીની સમીક્ષા કરાઈ: પાલક માતા-પિતા અને બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીઓને રૂ. ૨ લાખની લગ્ન સહાય અંગે ચર્ચામોરબી: મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને અને જિલ્લા મેજીસ્ટ્રેટની સહ-અધ્યક્ષતામાં જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં બાળકોની સુરક્ષા, કલ્યાણ અને ઉત્કર્ષ માટે કરવામાં આવેલી ત્રિમાસિક કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાલક માતા-પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અને પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન હેઠળના લાભાર્થીઓની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ની સક્રિયતા અને જનજાગૃતિ કાર્યક્રમો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.સમિતિ દ્વારા જિલ્લાની બાળ સંભાળ સંસ્થાઓનું નિરીક્ષણ, બાળકોનું પુનઃસ્થાપન અને દત્તક વિધાન પ્રક્રિયાની પ્રગતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ યોજનાકીય અરજીઓ માટે કરવામાં આવતી ઘર તપાસની કામગીરીની સમીક્ષા સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે ચર્ચા થઈ હતી, જેમાં પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીઓને લગ્ન પ્રસંગે રૂપિયા ૨,૦૦,૦૦૦ (બે લાખ)ની લગ્ન સહાય આપવા અંગે વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકનું સંચાલન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયા દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા શ્રમ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બાવરવા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વાય.એ. જાડેજા સહિત સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના અધિકારો તથા સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા.