મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ વીરાટનગર નજીક ગાયત્રી ગળદા પ્લાન્ટ નામના કારખાનામાં રમતા રમતા ગરમ માટીના ઢગલામાં પડી જતા બે વર્ષના માસૂમ બાળકનું આઠ દિવસની સારવાર બાદ દાહોદની હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા આ મામલે તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં વીરાટનગર નજીક આવેલ ગાયત્રી ગળદા પ્લાન્ટ નામના કારખાનામાં ગત તા.31ના રોજ ટ્રક ચાલકે ગરમ માટીનો ઢગલો કર્યા બાદ આ ગરમ માટીના ઢગલામાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભભોર તાલુકાના સાણદા ગામના અરવિંદભાઈ ગણાવાનો પુત્ર વિશાલ અરવિંદભાઇ ગણાવા ઉ.2 પડી જતા તેની માતા ભુરીબેન બચાવવા માટે દોડતા માતા અને પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા. વધુમાં ગરમ માટીના ઢગલામાં દાઝી ગયેલા માતા અને પુત્રને પ્રથમ મોરબી બાદ જામનગર અને ત્યાથી વધુ સારવાર માટે દાહોદની કે.કે.સર્જીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યાં હતા જ્યા સારવાર દરમિયાન ગત તા.6 ઓગસ્ટના રોજ બે વર્ષના વિશાલનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.