12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભવ્યાતિભવ્ય મા ઉમિયા ધજા મહોત્સવમોરબી : ઊંઝામાં બિરાજમાન કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા ઊંઝાના નિજ મંદિરમાં બિરાજમાન થયાને 1868 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરે આગામી તારીખ 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર 2024 સુધી ભવ્યાતિભવ્ય મા ઉમિયા ધજા મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમનો શુભારંભ કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે ટ્રસ્ટી મંડળ દ્વારા મળીને આમંત્રણ પાઠવાયું હતું.આ અંગે મોરબીના ઉદ્યોગપતિ અને આ કાર્યક્રમના કન્વીનર ગોવિંદભાઈ વરમોરાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો શુભારંભ 12 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યે થશે. ત્યારે આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમનો શુભારંભ કરાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવા માટે આજ રોજ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, ઉપપ્રમુખ રમેશભાઈ દૂધવાળા, આ કાર્યક્રમના ચેરમેન બાબુભાઈ (સોમનાથ ગ્રુપ), સી.કે. પટેલ, કાર્યક્રમના કન્વીનર ગોવિંદભાઈ વરમોરા, સહમંત્રી પ્રવીણભાઈ પટેલ, સોલા કેમ્પસના પી.સી. પટેલ સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવ્યું હતું. આ આમંત્રણનો મુખ્યમંત્રીએ સહર્ષ સ્વીકાર કર્યો હતો અને 12 સપ્ટેમ્બરે ઉંઝા ખાતે આવીને કાર્યક્રમનો શુભારંભ કરાવશે તેમ જણાવ્યું હતું.ઉમિયા માતાજી મંદિરમાં બિરાજમાન થયાને 1868 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 5 હજારના દાન થકી 1868 યજમાનો દ્વારા 1868 ઉમા પ્રાગટ્ય ધ્વજાનું આરોહણ થશે. જ્યારે 1100 રૂપિયાના દાન થકી 11,111 ધર્મ ધ્વજાઓ યજમાન થકી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી દરરોજ ચડાવવામાં આવશે. આ પ્રકારનો કાર્યક્રમ ઉંઝા ઉમિયાધામ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં દરરોજ અઢી લાખ જેટલા લોકો દર્શન કરવા પધારશે. આ કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.