સખાવતી હેતુસર તબદીલીમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળશે : ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાશે : રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ મોરબી : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે મહેસૂલી સેવાઓને વધુ સુલભ બનાવવા નિર્ણય જાહેર કરી અનેક સુધારાઓ કરવા નિર્ણય કર્યો છે જે અન્વયે સખાવતી હેતુસર તબદીલીમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની સાથે ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા તેમજ રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ આપવા જાહેર કરાયું છે. મહેસુલી સેવાઓને વધુ સુલભ બનાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુડ ગવર્નન્સની આ આગવી પહેલથી જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ સુલભ બનશે, ટ્રસ્ટને ફાળવેલી સરકારી જમીનના કિસ્સામાં નમૂના નં.૭માં સ્પષ્ટતા કરવાનો નિર્ણય કરાયો છે સાથે જ સ્ટે-ઓર્ડર ન હોય તેવા પડતર દાવાની નોંધ નમૂના-૭માં ન કરવા તેમ જ લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય કરી સિટી સર્વે રેકર્ડ-હક્કચોકસી-પ્રમોલગેશનમાં ક્ષતિ કે ભુલસુધારણાની સમયમર્યાદા તા. ૩૧ ડિસેમ્બર-ર૦ર૩ સુધી લંબાવવામાં આવી છે. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીના વ્યાપક હિતને હૈયે રાખીને મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે જે અન્વયે સખાવતી હેતુસર જમીન તબદીલી, ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં સ્પષ્ટતા, રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ, વારસાઈમાં પડતી તકલીફમાં નિવારણ, લીસ પેન્ડેન્સીના રજિસ્ટ્રેશન, જેવી મહત્વની બાબતો અંગેના નિયમોમાં સુધારા જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો આમાં સમાવેશ થાય છે. આ સુધારાને પરિણામે હવે ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર કોઈ પણ સરકારી/અર્ધસરકારી/સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિનઅવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ૧૦૦૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે રહેશે નહીં. એટલું જ નહીં, ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના ૪.૯૦ ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ૩૦૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે, તેવો નીતિવિષયક નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. રાજ્ય સરકારે ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ-૩૬ તથા મહેસૂલ વિભાગ/સરકારની મંજૂરી જરૂરી છે તથા પ્રિમિયમ ભરવા પાત્ર છે, તે મુજબની સ્પષ્ટતા સરકારનું હિત જળવાય તે હેતુસર ગામ નં.૭માં કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે નવી શરતની, સાંથણની, ગણોત ધારા હેઠળ પિતા-માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ/બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પારિવારિક વિવાદ કે અસમંજસતા આના પરિણામે દૂર થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં કરેલા નીતિવિષયક સુધારા અનુસાર હવે, એક હેતુ માટે બિનખેતી મળેલ હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી(રહેણાંકમાંથી વાણિજ્ય વગેરે) સમયે પ્રિમિયમ, ઝોનિંગ, જી.ડી.સી.આર., એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં ફક્ત જે તે રિવાઈઝ્ડ એન.એ.ના હેતુ માટેનો જ અભિપ્રાય જરૂરી રહેશે. મુખ્યમંત્રીએ તલાટી દ્વારા ગ્રામ્ય-શહેરી વિસ્તારનાં મકાન, ફ્લેટ, દુકાનો, ઓફિસોનાં પેઢીનામાં કરવા બાબતે લોકોને સરળતા કરી આપી છે. વ્યક્તિનું અવસાન રહેણાંક, વતનના સ્થળ સિવાય અન્ય સ્થળે થાય ત્યારે મૃતકના સ્થાયી રહેઠાણ અથવા વતનના સ્થળના તલાટી દ્વારા પેઢીનામું બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેતીની જમીન બિનખેતી થયા બાદ, પ્રોપર્ટી કાર્ડ ન બનેલ હોય તેવા કિસ્સામાં બિનખેતીનો હુકમ રજૂ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો અને તેમાં ઉત્તરોત્તર ફેરફાર નોંધ કરી શકાશે તેવો જનહિતલક્ષી નિર્ણય પણ તેમણે કર્યો છે.