નવેમ્બર મહિનાના જથ્થાના ચલણ નહીં ભરવાની ચીમકી: સત્વરે માંગણીઓનો નિકાલ કરવા માંગમોરબી: મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ (FPS) એસોશીએશન દ્વારા તેમની લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે જિલ્લા પુરવઠા અધિકારી (DSO) ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એસોશીએશને જાહેરાત કરી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ 1 નવેમ્બર 2025 થી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેશે અને નવેમ્બર-2055 માસના જથ્થાના ચલણ નહીં ભરીને અસહકાર આંદોલન કરવા અંગે રજૂઆતમાં જણાવાયુ છે. એસોશીએશનની મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં વધારો, ઈ-પ્રોફાઇલ તકેદારી, સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ બનાવવાની મંજૂરી, સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો, સમયસર કમિશનની ચુકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો સમાવેશ થાય છે.એસોશીએશને જણાવ્યું કે રાજ્ય એસોશીએશન દ્વારા ગુજરાત સરકારના પૂરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની માંગણીઓનો સંતોષકારક કે લેખિત જવાબ મળ્યો નથી. આથી, 'ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એશોશીયેશન' અને 'ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસીએશન' દ્વારા સંયુક્ત રીતે આ અંગે યોગ્ય નિકાલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન' કરવાનો નિર્ણય લેવાયો છે.મોરબી જિલ્લા એસોશીએશને DSO ને અપીલ કરી છે કે ગ્રાહકોને અનાજથી વંચિત ન રહેવું પડે તે માટે આ ગંભીર બાબતને ધ્યાને લઈ આવેદનપત્ર અને માંગણીઓનો સત્વરે નિકાલ આવે તે માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સુધી પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. તેમ મોરબી શહેર ફેર પ્રાઈઝ શોપ એસોસિઅનના ઉપપ્રમુખ ઉગાભાઈ રાઠોડની યાદીમાં જણાવાયું છે.