પાલિકાની અંદરો અંદરની લડાઈ બની શહેરીજનોમાં ટોક ઓફ ધ ટાઉન હળવદ : હળવદ પાલિકામાં ભાજપના જ બે જૂથ એકબીજાને ભરી પીવા સામે પડ્યા છે. જેમાં ગઈ કાલે એક સદસ્ય દ્વારા લાઈટના ટેન્ડરમાં કારોબારી ચેરમેને, લાઈટ સમિતિના ચેરમેને પોતાના માણસોને ટેન્ડર આપી દીધું હોવાનું રાજકોટ કમિશનરને સદસ્ય દ્વારા રજુઆત કરાઈ છે. તો સામા પક્ષે લાઈટ સમિતિના ચેરમેન અને કારોબારી ચેરમેને જણાવ્યું હતું છે કે ટેન્ડર અમે મંજુર કર્યું જ નથી. હજુ સુધી કોને આપવામાં આવશે તે પણ નક્કી કરાયું નથી. જેથી અમારા પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ તદ્દન પાયાવિહોણા છે. હળવદ પાલિકામાં પાછલા થોડા મહિનાઓથી અંદરો-અંદરની ખેંચતાણને પગલે શહેરીજનો વિકાસ રુંધાઈ રહ્યો છે. તેવામાં ભાજપના જ વોર્ડ નંબર એકના પાલિકા સદસ્ય અશ્વિનભાઈ કણજારીયાએ રાજકોટ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, પાલિકા દ્વારા એલ.એ.ડી તથા માલ-સામાનનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ, જેમાં સાત આસામીઓ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું હતું. આ ટેન્ડરમાં કારોબારી ચેરમેન દ્વારા અનઅધિકૃત રીતે ઠરાવ નંબર સાતથી ગોલ્ડન કંપનીને ટેન્ડર આપવા માટે ગેરકાયદે ઠરાવ કરેલ છે. ગોલ્ડન કંપની દ્વારા એના ટેન્ડર લખ્યા મુજબ જીએસટી અલગથી લેવામાં આવશે અને ટેન્ડરમાં દસ આઇટમના ભાવ પણ લખવામાં આવેલ છે. આ બાબતે લાઈટના ચેરમેન દ્વારા પત્ર લખવામાં આવ્યો છે કે છ ટેન્ડર શા માટે રદ ન કરવામાં આવે એવો ઉલ્લેખ છે. આ સાથે લેટરપેડની નકલ પણ સામેલ છે અને આ અગાઉ કારોબારીમાં નેગોસેસ કરવાની ચર્ચા થયેલ છતાં, કોઈ આસામીને લેખિત જાણ કરીને નેગોસેસ કરવામાં આવેલ નથી. તો આ બાબતે કોઈ અંગત સ્વાર્થ માટે પાલિકાના હિતને નુકસાન ન કરી શકાય જે અંગેની રાજકોટ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જો કે બીજી તરફ અવનીબેન જોશીએ હજુ કોઈના ટેન્ડર મંજૂર કરાયા જ નથી આક્ષેપો તદ્દન પાયાવિહોણી છે એવું જણાવ્યું છે. પાલિકા સદસ્યો દ્વારા અમારા પર તદ્દન પાયાવિહોણી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમાં જણાવવા માગું છું કે એલેડી લાઈટના સાત કમ્પનીઓએ ટેન્ડર ભર્યા હતા જે તારીખ ૧૯/૧૦ના રોજ ખોલવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી કોઈ પણ કંપનીનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું નથી અમારા સદસ્યો દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા અને સાવ ખોટા પણ છે એવું અવનીબેન કહી રહ્યા છે. હળવદ પાલિકાના સદસ્ય દ્વારા તેમના જ પક્ષના કારોબારી ચેરમેન અને લાઈટ સમિતિના ચેરમેન પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે અંગે નગરપાલિકા ચીફ ઓફિસર સાગર રાડીયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈને વર્ક ઓર્ડર અપાયો નથી. આ અંગે વિરોધ પક્ષના વાસુદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખુદ ભાજપના પાલિકા સભ્યો દ્વારા સામસામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જેના કારણે શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે. તો બીજી તરફ એવા પણ ધગધગતા સવાલો કરવામાં આવ્યા હતા કે પાલિકા દ્વારા શહેરમાં નખાયેલ ડસ્ટબિન કૌભાંડ, રિવરફ્રન્ટ કૌભાંડ, રહસ્યમય રીતે મળી આવેલ ૭૦૦ જેટલી એલઇડી લાઇટો આવા અનેક કૌભાંડ સામે આવ્યા છે ત્યારે આ બાબતની કેમ કોઈ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી તપાસ નથી મંગાતી. આ રજૂઆતો પણ મને તો પોતાના સ્વાર્થ ખાતર જ કરાતી હોવાનું લાગી રહ્યું છે. એવો આક્ષેપ વાસુદેવભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.