110 મીટર વિઘ્ન દોડમાં અને 400 મીટર વિઘ્ન દોડમાં બે વિદ્યાર્થીઓ જિલ્લામાં પ્રથમ સ્થાને, 80 મીટર વિઘ્ન દોડમાં દ્વિતીય હળવદ: મોરબી જિલ્લા શાળાકીય રમતોત્સવ-2025નું સદભાવના વિદ્યાલય, હળવદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ – માળિયા, ટંકારા, વાંકાનેર, મોરબી અને હળવદ – માંથી તાલુકા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શ્રી જીપીએસ માધ્યમિક શાળા, ચરાડવાના ખેલાડીઓએ અદ્ભુત પ્રદર્શન કરીને શાળા અને ગામનું નામ રોશન કર્યું છે.હળવદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા શ્રી જીપીએસ માધ્યમિક શાળાના પાંચ ખેલાડીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આમાંથી ત્રણ ખેલાડીઓએ મેડલ જીતીને શાળાની સિદ્ધિમાં વધારો કર્યો. બહેનોના વિભાગમાંથી ગૌતર માનસી બાબુભાઈએ 80 મીટર વિઘ્ન દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. જ્યારે ભાઈઓના વિભાગમાં બે ખેલાડીઓએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. રાહુલ ભરતભાઈ સાનિયાએ 110 મીટર વિઘ્ન દોડમાં અને હાર્દિક કનુભાઈ સાનિયાએ 400 મીટર વિઘ્ન દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શન બદલ શાળાના આચાર્ય એ.બી. મોટકા, સમગ્ર સ્ટાફ અને ચરાડવા ગ્રામ પંચાયત વતી ગિરીશભાઈ પરમારે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને તેમનું સન્માન કર્યું. જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર બંને ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેમની આ સિદ્ધિ બદલ સૌએ શુભેચ્છાઓ પાઠવી છે.