મોરબી : ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ ચંદ્રમા ઉપર શોધ સંશોધન કરવા મોકલેલા ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ ટૂંક સમયમાંથી ચંદ્રમાની ધરતી ઉપરથી મેળવેલા સેમ્પલો સાથે પરત ફરનાર છે.ઇસરોએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભવિષ્યના ચંદ્ર મિશન માટે અનોખા પ્રયોગમાં ચંદ્રની પરિક્રમા કરી રહેલા ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછું લાવી દીધું છે. આ માટે રિટર્ન મૈનુવર કરવામાં આવ્યું હતું. પ્રોપલ્શન મોડ્યુલે 10 નવેમ્બરે ચંદ્ર પરથી પૃથ્વી પર પાછા ફરવાની શરૂઆત કરી હતી. 22 નવેમ્બરના રોજ અવકાશયાન પૃથ્વીની તેના સૌથી નજીકના બિંદુ (પેરીજી)માંથી પસાર થયું હતું. આ પ્રયોગ ચંદ્ર પરથી સેમ્પલ પરત લાવવાના મિશન (સેમ્પલ રીટર્ન મિશન)ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.ઈસરોએ વધુમાં ઉમેર્યું હતું કે, જે રીતે ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમનું હોપ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, તે જ રીતે આ બીજો અનોખો પ્રયોગ છે. પ્રોપલ્શન મોડ્યુલ જે પહેલા ચંદ્રની 150 કિમીની ભ્રમણકક્ષામાં ફરતું હતું તે હવે પૃથ્વીની ભ્રમણકક્ષામાં છે.યોજના અનુસાર, આ પ્રોપલ્શન મોડ્યુલ માત્ર ત્રણ મહિના માટે ચંદ્રની ભ્રમણકક્ષામાં રહેવાનું હતું. પરંતુ, ઈસરોના વૈજ્ઞાનિકોની કાર્યક્ષમતાને કારણે તેમાં 100 કિલો ઈંધણ બચ્યું હતું. ઈસરોએ પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછું લાવવા માટે તે ઇંધણનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું જેથી નમૂના રીટર્ન મિશન માટે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી શકાય.ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ હવે લગભગ 13 દિવસમાં પૃથ્વીની આસપાસ એક ભ્રમણકક્ષા પૂર્ણ કરી રહ્યું છે. તેની ભ્રમણકક્ષા પણ બદલાઈ રહી છે અને તે પૃથ્વીના ઓછામાં ઓછા 1.15 લાખ કિલોમીટરના અંતરે આવશે. પૃથ્વીની પરિક્રમા કરતા કોઈપણ ઉપગ્રહ સાથે પ્રોપલ્શન મોડ્યુલ અથડાવાનું જોખમ ન હોવાનું પણ ઇસરોએ અંતમાં જણાવ્યું હતું.