મોરબીના કોંગ્રેસી આગેવાન રમેશભાઈ રબારીએ સોશિયલ મીડિયા મારફતે આપી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજીને ચેલેન્જ મોરબી : કોઈપણ વ્યકિતના મનની વાત જાણી લેતા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજી રાજકોટ ખાતે આવી રહ્યા છે ત્યારે એક પછી એક ચેલેન્જ તેઓને આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના કોંગ્રેસી આગેવાન રમેશભાઈ રબારીએ બાબા બાગેશ્વરને મોરબીના નિખિલ ધામેચા મર્ડર કેસના આરોપી પકડી આપે તો દસ લાખનુ ઈનામ આપવાની જાહેરાત કરી વર્ષોથી અણઉકેલ હત્યા કેસને તાજો કરી નાખ્યો છે. રાજકોટમાં આગામી તા.1 અને 2 જૂનના રોજ બાબા બાગેશ્વર ઘિરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે ત્યારે મોરબી શહેરમાં વર્ષ 2015માં નિખિલ ધામેચાની હત્યા થયા બાદ આ અણઉકેલ કેસમાં આરોપી આજ સુધી પકડાયા નથી. રોડ રસ્તાના સી.સી કેમેરામાં નિખિલ ધામેચાને બાઈકમાં બેઠેલો પણ દેખાઈ આવે છે તેમ છતાં મોરબીની પોલીસ આ હત્યાના આરોપી સુધી કેમ પહોંચી શકી નથી આમાં કોની- કોની સંડોવણી છે ? આ હત્યા થવા નુ કારણ શું? વગેરે બાબતનો ખુલાસો ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન કાળ જાણનારા અને લોકોના દર્દ દુખ પરેશાની દૂર કરનાર ધીરેન્દ્ર શાસ્ત્રી જણાવી આપે અને મોરબીના આ નિખિલ ધામેચા ખૂનના બનાવનો ઉકેલ લાવી આપે તો તેમના માં બાપને ન્યાય મળે તેમ હોવાનું જણાવી ઇનામ આપવા જાહેરાત કરી છે. વધુમાં રમેશભાઈ રબારીએ ચેલેન્જ સાથે જણાવ્યું છે કે, મોરબી પોલીસ હજી સુધી આ કુમળી વયના બાળક નિખિલ ધામેચાના આરોપીને પકડી શકી નથી તે પણ પકડાઈ જાય અને નિખિલ ધામેચાના કુટુંબીજનોને ન્યાય મળી જાય તે માટે નિખિલના પરિવારે ફરિયાદ દાખલ કરાવી રેલીઓ કાઢેલી અને ગુજરાત હાઇકોર્ટ પાસે પણ ન્યાયની ભીખ માંગેલી તેમ છતાં પોલીસ વિભાગ શા માટે આ હત્યા કેસનો નિવેડો લાવી શકેલ નથી તે પણ જો બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી જણાવી આપે અને નિખિલ ધામેચાના ખૂન કેસના આરોપી નામ આપી તેમના સુધી પોલીસને પહોંચવાનો રસ્તો બતાવે તો મોરબી શહેરમાં બાબા બાગેશ્વ ધીરેન્દ્ર શાસ્ત્રીનો જાહેર કાર્યક્રમ પણ કરવા માં આવશે અને સાથે સાથે રૂપિયા 10 લાખનુ ઈનામ પણ આપવામાં આવશે તેવી અંતમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને સોશિયલ મીડિયા મારફતે રમેશભાઈ રબારીએ ચેલેન્જ આપી છે.