કન્યા છાત્રાલય રોડ રૂ.7.5 કરોડના ખર્ચે મંજુર થઈ ગયો છે, વહીવટી પ્રક્રિયા બાદ ચોમાસા પછી રોડનું કામ શરૂ થશે : ડેપ્યુટી કમિશનર મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ચક્કાજામ થતા જ સ્થાનિકોની માંગણી મુજબ મહાપાલિકાએ તાબડતોબ ખાડા બુરવાની કામગીરી શરૂ કરી દીધી છે. બીજી તરફ ચક્કાજામ પણ બે કલાકથી યથાવત સ્થિતિમાં છે. મોરબીના કન્યા છાત્રાલય રોડથી બાયપાસ સુધી વચ્ચે આવતી સોસાયટીના રહીશોએ બિસ્માર રોડના પ્રશ્ને આજે શનાળા રોડ ઉપર 5 વાગ્યાથી ચક્કાજામ શરૂ કર્યો છે. જે બે કલાક જેટલા સમયથી યથાવત છે. આ દરમિયાન મામલો થાળે પાડવા માટે ડેપ્યુટી કમિશનર સંજય સોની ત્યાં આવ્યા છે. તેઓને સ્થાનિકોએ ખખડધજ રોડ ઉપર ચલાવી રોડની હાલત દેખાડી છે. આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે આ રોડ રૂ.7.5 કરોડના ખર્ચે મંજુર થઈ ગયેલો છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ચોમાસા પછી આ રોડનું કામ શરૂ કરવામાં આવશે. અત્યારે ખાડા બુરવા મેટમિક્સ પાથરવામાં આવશે. બીજી તરફ હાલ મહાપાલિકાની કપચી ભરેલી ગાડી પણ અહીં આવી ગઈ હતી. ખાડા બુરવાની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે.