શાળાઓની મુલાકાત લઇ શિક્ષણના પ્રશ્નો હલ કરવા માટે તત્પર રહેતા પ્રવીણભાઈ સોનગ્રા અજય લોરીયાના સહયોગથી જર્જરિત શાળાઓના નવીનીકરણના પ્રયાસો કર્યા મોરબી : મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહી ધ્યાનાકર્ષક કામગીરી કરી રહ્યા છે. તેઓ શાળાઓની મુલાકાત લઇ શિક્ષણના પ્રશ્નો હલ કરવા માટે તત્પર રહે છે. તેમજ જર્જરિત શાળાઓની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાના સહયોગથી નવીનીકરણના પ્રયાસો કરે છે. આ સાથે તેઓએ વિજજોડાણ વિનાની ખારાવાંઢ પ્રાથમિક શાળામાં વીજલાઇન અપાવી અજવાળા પાથરવાની કામગીરી પણ કરી છે. મોરબી જિલ્લામાં 595 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને વ્યવસ્થિત શિક્ષણ મેળવે, આધુનિક સુવિધાઓ વાળું મંદિર જેવું વિદ્યામંદિર મળે એ માટે અદમ્ય રાજકીય ઈચ્છાશકતિ ધરાવતા પ્રવીણભાઈ સોનગ્રાએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી દુર્લભજીભાઈ દેથરીયા (પ્રમુખ જિલ્લા ભાજપ) અને ચંદુભાઈ સિહોરા (પ્રમુખ) જીજ્ઞેશભાઈ કૈલા (ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત)ના માર્ગદર્શન હેઠળ સતત કાર્યરત રહી શાળાઓની મુલાકાત લે છે. જ્યાં ક્ષતિ લાગે ત્યાં લાલ આંખ પણ કરે છે અને ખૂબી લાગે ત્યાં ગુરજનની પીઠ પણ થાબડે છે. નિયમિત રીતે જિલ્લા પંચાયત ખાતે હાજર રહી શિક્ષકો અને શિક્ષણના પ્રશ્નો હલ કરવા માટે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી, સંવાદ કરી ઝીણામાં ઝીણી માહિતીથી અવગત રહે છે. મોરબી જિલ્લા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાની સૌથી ધ્યાનકર્ષક અને ઉડીને આંખે વળગે એવી કામગીરી એટલે કે મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૦૧ના ભયંકર ભૂકંપ બાદ પણ સતત નાના-મોટા આંચકા આવતા હોવાથી ઘણી બધી શાળા જર્જરિત થઈ ગઈ હોય, વિદ્યાર્થીઓ માટે બેસવા લાયક ન હોય, છેલ્લા પાંચેક વર્ષથી જર્જરિત શાળાઓ રદ કરવાની કામગીરી પેન્ડિંગ પડેલી હોય, પ્રવીણભાઈ સોનગ્રાએ આવી શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાનો સાથ લઈ એન્જિનિયરના સંપર્કમાં રહી શાળાઓના પાડવા લાયક રૂમો નાબૂદ કરવાની ત્વરિત કામગીરી કરી હતી. તેમજ નવા રૂમો બાંધકામ માટે સરકારમાં રજુઆતો કરેલ છે, સ્વૈચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરી નવા રૂમો બનાવવા માટે તજવીજ હાથ ધરેલ છે. એવી જ રીતે માળીયા તાલુકાની ખારાવાંઢ પ્રાથમિક શાળા મોરબી જિલ્લાની એકમાત્ર શાળા એવી હતી જ્યાં શાળામાં વિજજોડાણ ન હતું. વીજળી વિહોણી શાળામાં વીજ જોડાણ આપવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રવીણભાઈ સોનગ્રાને રજુઆત કરતા તાત્કાલિક પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે વાત કરી વર્ષોથી વીજળી વગરના વિદ્યાલયમાં અજવાળા પાથરવાનું કામ કરી 'ઉંડા અંધારેથી પરમ તેજે' લઈ જવાની આવી જબરદસ્ત કામગીરી બદલ ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી અભિનંદન પાઠવે છે અને એમની અનન્ય કામગીરીને બિરદાવે છે.