મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે આજ રોજ તા. 18-3-2025ના એન.એસ.એસ. એકમ અંતર્ગત શિબિરાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તેમજ અંતિમ વર્ષના સ્વયંસેવકોના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ એન.એસ.એસ.ના લક્ષ્યગીત તેમજ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. સવાડીયા પૂનમે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. બાદમાં બાલાસરા બંસીએ એકપાત્ર અભિનય રજૂ કર્યો હતો. ગોગરા મુન્ના, કુંભરવાડિયા નિખિલ તેમજ સાંગા રમેશે પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા. મકવાણા ઉન્નતિએ સ્વરચિત કવિતા રજૂ કરી હતી. સાંતોલા સુનિલ, નિખિલ, સાંગા રમેશે સુંદર ભજનો સંગીત સાથે રજૂ કરીને શ્રોતાગણને અભિભૂત કરી દીધા હતા. એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર એવા ડો. રામભાઈ વારોતરીયાએ સૌ સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજમાંથી વિદાય લેતા અંતિમ વર્ષના સ્વયંસેવકોને આગળ પ્રગતિ કરે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ સોલંકી ભૂમિકા, સનારીયા પ્રગતિ અને સોનગરા અસ્મિતાએ સુંદર મજાનું વિદાય ગીત રજૂ કર્યું હતું. પ્રા. કવિતાબા ઝાલાએ પણ સૌ સ્વયંસેવકો આગળ જીવનમાં પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. એન.એસ.એસ કેમ્પ કરનાર દરેક સ્વયંસેવકને પ્રમાણપત્ર તેમજ ફોલ્ડરફાઈલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ અંતિમ વર્ષના જે સ્વયંસેવકોએ કોલેજકાળ દરમિયાન જે ઉત્તમ કાર્ય કર્યું તે બદલ શાલ ઓઢાડીને અધ્યાપકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની સોનગરા અસ્મિતા અને સનારીયા પ્રગતિએ કર્યું હતું. કાર્યક્રમને અંતે આભાર વિધિ સોલંકી ભૂમિકાએ કરી હતી. તેમજ કાર્યક્રમને અંતે સૌ અલ્પાહાર લઈને છુટા પડ્યા હતા.