મોરબી કંડલા બાયપાસ ઉપર બનેલો બનાવ મોરબી : મોરબીમાં સાથે મળી સિરામિક ટાઇલ્સનો ભાગીદારીમાં ધંધો કરતા બે ભાગીદારો વચ્ચે કમિશનના પૈસાની લેતી દેતીમાં વાંધો પડતા એક ભાગીદારના આખા પરિવારે મળી બીજા ભાગીદારને માર મારી છરી ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગેલેકસી સોસાયટીમાં રહેતા સાહીદભાઇ સુભાનભાઇ મુલતાની અગાઉ સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયા સાથે ભાગીદારીમાં સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા હોય હિસાબ પેટે કમિશનના રૂપિયા 40 હજાર સાહીદભાઇ સુભાનભાઇ મુલતાનીને લેવાના નીકળતા હતા. બીજી તરફ શાહિદભાઈએ પૈસાની ઉઘરાણી કરતા સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયાએ તેમને ફોન કરી હિસાબ સમજી લઈએ તેવું જણાવી કંડલા બાયપાસ ઉપર બોલાવ્યા હતા જ્યા શાહીદભાઈ જતા સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયા તેમનો પુત્ર રૂદ્ર સંજયભાઇ કાલાવડીયા, તેમના પત્ની ફાલ્ગુનીબેન સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયા અને સંજયભાઇના સાળી ભાવનાબેન રહે. બધા મોરબી કંડલા બાયપાસ ઉમા સ્ટીલ પાસે વાળાએ શાહીદભાઈ સાથે ગાળા ગાળી કરી પાઇપ વડે હુમલો કર્યો હતો અને સંજયભાઈએ હવે પછી રૂપિયાની ઉઘરાણી કરતો નહિ, નહીતો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી છરીના ઘા ઝીકી દીધા હતા. આ ઘટના અંગે શાહીદભાઈની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૬,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.