મોરબી : મોરબીમાં સિરામિક ટ્રેડિંગ એસોસિયેશન, કોલ એસોસિએશન અને કિચન સિન્ક એસોસિએશન દ્વારા 31 માર્ચ સુધી ઉદ્યોગો બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. જે અંગે તમામ સભ્યોને એસોસિએશનોએ જાણ કરીને કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પોતાનો ઉદ્યોગ બંધ રાખવાની અપીલ કરી છે. ભારતમાં તથા ગુજરાતમાં કોરોના વાઇરસ જે રીતે ફેલાઈ રહ્યો છે. તેને ધ્યાનમાં લઇને સરકારે અમુક જિલ્લામાં લોક ડાઉન જાહેર કરેલ છે. તો તેને ધ્યાનમાં લઇને કોરોના બચવા માટે મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન તથા પેપર મિલ એસોસિયેશન દ્વારા હાલમાં જે નિર્ણય લેવાયેલ છે. તે મુજબ તા. 23 માર્ચથી 31 માર્ચ સુધી ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરેલ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ મોરબી કોલ એસોસિયેશન દ્વારા તા. 25 માર્ચથી 31માર્ચ સુધી તમામ કોલ સ્ક્રિનિંગ પ્લાન્ટના માલિકોએ પોતાના યુનિટો સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરેલ છે. ત્યારે લોડિંગ, અનલોડીંગ, ઓફિસ વર્ક તથા લેબર વર્ક બંધ જાહેર કરવામાં આવેલ છે. આ સાથે મોરબી સિરામિક ટ્રેડિંગ એસોસિયેશને પણ બધા ટ્રેડિંગ ધારકોને આગામી 31 માર્ચ સુધી કામકાજ બંધ રાખવા માટે અપીલ કરી છે અને ઓફિસે આવવાના બદલે ઘરે બેઠા જ કામ કરવા માટે સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત મોરબી કિચન સિન્ક એસોસિએશને પણ તમામ સ્ટીલ ઉત્પાદકોને 31મી સુધી ઉદ્યોગ બંધ રાખવાની અપીલ કરી છે. વધુમાં, કંપનીના ક્વાટરમાં રહેતા મજૂરો તથા અન્ય માણસોએ બહાર નીકળવું નહિં તથા કંપનીના કેન્ટીનમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુનો સ્ટોક રાખવાની ભલામણ કરવામાં આવી છે. તેમજ કંપનીમાં રહેતા કોઈપણ સ્ટાફને તબિયતને લઇને કોઈપણ તકલીફ હોય તો કંપનીના માલિકને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.