રૂપિયા 25.30નું વ્યાજ અને મૂડી વસૂલી કરી લેવા છતાં કાર પડાવી લેતા 13 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદમોરબી : મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાયા બાદ અને વ્યાજખોરોને પાસા હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા હોવા છતાં પણ વ્યાજખોરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આવા જ એક કિસ્સામાં મોરબીના નાની વાવડી ગામે રહેતા અને સિરામિક ટ્રેડિંગનો ધંધો કરતા યુવાને અલગ અલગ 13 આરોપીઓ પાસેથી રૂ.25.30 લાખ વ્યાજે લીધા બાદ વ્યાજ સહિત મૂડી પરત કરવા છતાં આરોપીઓએ સ્વીફ્ટ કાર અને ચેક પડાવી લઈ જાનથી પતાવી દેવા ધમકી આપતા વ્યાજખોરી મામલે 13 આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા જયેશ કરશનભાઇ રાજપરા નામના યુવાને ત્રણેક વર્ષ પૂર્વે ધંધામાં જરૂરત પડતા આરોપી (૧) રાજુભાઇ આહીર રહે. કુંતાસી તા.જી.મોરબી (૨) ભગીરથભાઇ હુંબલ રહે. મોરબી-૦૨ (૩) સુમનભાઇ રાઠોડ રહે. નાગડાવાસ (૪) અરવીંદસિંહ ઝાલા રે. મોરબી -૨ (૫) જયદીપભાઇ પટેલ રહે. રવાપર રોડ (૬) ધારાભાઇ રબારી રહે. લાલપર (૭) રણજીતભાઇ આહીર રહે. રાજકોટ (૮) સંજયભાઇ આહીર રહે. નાગડાવાસ તા.જી.મોરબી (૯) ગોપાલભાઇ રાઠોડ રહે. કેરાળી તા.જી.મોરબી (૧૦) સતિષભાઇ ભોરણીયા રહે. ઉમા ટાઉનશીપ મોરબી-૨ (૧૧) રાજુભાઇ ઘાચી રે. કાલીકાપ્લોટ, મોરબી (૧૨) અકીબભાઇ મીર રહે. કલીકાપ્લોટ, મોરબી અને (૧૩) જયદીપભાઇ સવાભાઇ ડાંગર રહે મેઘપર તા.માળીયા મી. નામના આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા 25.30 લાખ વ્યાજે લઈ મુદલ સહિત પરત કરી દીધા હતા.બીજી તરફ જયેશભાઇ રાજપરાએ તમામ આરોપીઓને વ્યાજ સહિત મુદલ પરત આપી દેવા છતાં આરોપી રાજુ આહીર રહે.કુંતાસીવાળાએ જયેશભાઈની સ્વીફ્ટ ડિઝાયર કાર બળજબરીથી પડાવી લઈ અન્ય આરોપીઓએ અલગ અલગ 36 કોરા ચેક પડાવી લીધા હતા. સાથે જ તમામ આરોપીઓ વ્યાજ અને મુદલ આપી દેવા છતાં બળજબરી કરી ઉઘરાણી કરવાની સાથે જાનથી મારી નાખવા ધમકી આપતા તમામ 13 આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.