એક કંપનીમાં કામ કરતાં લોકો સિંગલ કાર લઈ જવાનું ટાળો- સિરામિક મેન્યુ. એસોસિએશનમોરબી : મોરબીમાં હાલ ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની છે. ટ્રાફિકની સમસ્યાના કારણે લોકોના સમય અને નાણાનો વ્યય થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે મોરબી સિરામિક મેન્યુ. એસોસિએશન દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.મોરબી સિરામિક મેન્યુ. એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, રોડની કેપિસિટી કરતાં પર્સનલ કારનો લોડ ખૂબ જ વધી ગયો છે. જો થોડી મહેનત કરીશું તો ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થઈ શકે છે. તેથી એક જ લોકેશનમાંથી નિકળતી કાર એક જ કંપનીમાં જતી કારમાં સાથે જવું જોઇએ. સિંગલ કાર લઈને જવાનું ટાળવું જોઈએ. ડીઝલની બચત કરવી હાલના સમયની માગ છે. જો આમ કરવામાં આવે તો પ્રદુષણ અને ધૂળની ડમરીમાં રાહત મળે તેમ છે. એક જ કંપનીમાં ત્રણ-ચાર લોકો એક સાથે કારમાં આવતા જતા હોય તો રસ્તામાં જ ટૂકી મિટીંગ થઈ શકે. આમ કરવાથી સમય અને પૈસાની પણ બચત થશે. જો આમ કરવામાં આવશે તો રોડ પર અડધા કે ત્રીજા ભાગની કાર ઘટી જશે અને ટ્રાફિકની પરોજણથી મુક્તિ અને માનસિક શાંતિ મળશે. તો આ બાબતને ધ્યાને લેવા મોરબી સિરામિક મેન્યુ. એસોસિએશન દ્વારા સૌને જણાવાયું છે.