ચાઇનાના કેમિકલયુક્ત ખતરનાક રંગો અને પાણીના વ્યયથી બચીએ : નિલેશ જેતપરિયા મોરબી : 'ફાગણ ફોર્યો કેસૂડે ને મારે વાલમની વાટ છે આજ, રંગ ઉડે અંતર મહીં ને શરમના શેરડે ગાલ ગુલાલ'. મોરબી : થરથરતી ઠંડીમાં ઠીંગરાઈ ગયેલી જીવસુર્ષ્ટિને ઉષ્ણતા આપતો હોળીનો તહેવાર નજીક છે ત્યારે અબાલ-વૃદ્ધ અને ખાસતો યુવા હૈયાઓ હોળીના રંગે રંગવા અને રંગાવવા થનગની રહ્યા છે. ધુળેટીના દિવસે રંગોથી જીવનમાં ઉત્સાહનું ભાથું બાંધવા ઘેરૈયાઓ અત્યારથી આયોજનો કરી રહ્યા છે. ત્યારે અત્યારે મોરબીમા પણ હોળી-ધુળેટીને લઈને આયોજનો ગોઠવાઈ રહ્યા છે. જો કે જે રીતે ધુળેટી ઉજવાય છે તે ખરેખર ભારતીય પરંપરા મુજબ થાય છે કે કેમ એ હવે ચર્ચાનો વિષય બની ગયો છે. દરેક ભારતીયોએ પરંપરાગત તહેવારો ઊજવવા જ જોઇયે જો કે તેની મર્યાદા પણ જળવાવી જોઇયે. ધુળેટીના દિવસે યુવાનો અને બહેનો તેમજ મોરબીવાસીઓએ માન-મર્યાદા ન લોપાય, કોઈની લાગણી ન દુભાય, શહેર સ્વચ્છ રહે અને પાણીનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે ધુળેટી ઉજવવી જોઈએ એવી સંયમિત અપીલ સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેષ જેતપરીયાએ લોકોને કરી છે. ધુળેટીએ રંગે રમવા માટે કેસુડાના ફૂલોને પલાળીને અથવા આર્યુવૈદીક ઔષધીના રંગો કે ઓરેગેનીક કલરથી આ ઉત્સવ ઉજવવો જોઈએ. સાથોસાથ કેમીકલ યુક્ત ચાઇનીઝ કલર કે બીજા હાનિકારક રંગોનો ઉપયોગ નહી કરતા ફક્ત હર્બલ અથવા તો અબીલ-ગુલાલ તેમજ જુદી જુદી આયુર્વેદિક વનસ્પતિ કે ફુલોને પલાળીને તેનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી શિયાળા દરમ્યાન શરીરમાં એકઠો થયેલો કફ-પિત ઓગળીને બહાર નીકળી જાય અને શાસ્ત્રોમાં પણ આ માટે જ આ ઋતુમાં ઔષધિય સ્નાનનું માહત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ જોતા શકય હોય તો શાસ્ત્ર કરવા પુરતુ તિલક કરીને પ્રતીકરૂપે ધૂળેટીની ઉજવણી કરવી હિતાવહ છે એવું નિલેષભાઈ જણાવી રહ્યા છે. પાણીની સમસ્યા ના સર્જાય તેના માટે માત્ર તિલક કરીને પ્રતીકાત્મક રીતે ઉજવણી કરવા માટે આગ્રહ કરતા નિલેષભાઈએ વધુમાં જણાવ્યું છે કે, આવનારા ઉનાળામાં પાણીની અછત ના સર્જાય તેમજ પશુ અને ખેતી માટે પાણીના સ્રોતો દૂષિત ન થાય એ જોવાની સહિયારી જવાબદારી છે. ધુળેટીના દિવસે ઘણા અકસ્માતો સર્જાય છે અને તેમા કેટલાય માબાપના લાડકવાયાઓ જીવન ગુમાવે છે અથવા તો અકસ્માતમા ઇજાગ્રસ્ત થાય છે. કેમીકલયુક્ત રંગોથી આંખો ગુમાવવાના કિસ્સાઓ પણ ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. યુવાનીના જોશમા પુરપાટ વેગે મોટરસાયકલ કે ગાડી ચલાવીને અકસ્માત નોતરવના બદલે સંયમપૂર્વક ડ્રાઇવિંગ કરીયે એમ જણાવીને નિલેષભાઈએ વહીવટીતંત્રને પણ નમ્ર અરજ કરી છે કે વિશેષ જાહેરનામુ બહાર પાડી રસ્તામાં આડેધડ ઉડાડાતા કલરથી થતા અકસ્માતોથી બચવા કોઇ પણ લોકો કલરના કોથળા લઇને અન્ય વાહનચાલકોને ના ઉડાડે જેથી કરીને અમુલ્ય માનવજીવન બચાવી શકાય.