સાન્યો સિરામિક કંપનીએ બે અલગ - અલગ સરકારી જમીન પર બાંધકામ ખડકી દેતા રૂ. ૪૪,૯૨૩ નો દંડ : તાકીદે જમીન ખુલ્લી કરવા આદેશમોરબી : મોરબી જિલ્લામાં સરકારી જમીનો પર બેફામ દબાણો ખડકાઈ ગયા છે ત્યારે મોરબી તાલુકાના લાલપર ગામમાં આવેલી સરકારી ખરાબાની અલગ - અલગ બે સર્વે નંબરની જમીન પર સિરામિક ફેકટરી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ ખડકી દેવામાં આવતા બદલ એક સિરામિક મોરબી ગ્રામ્ય મામલતદાર દ્વારા સિરામિક ફેકટરીના માલિકને દંડ ફટકારી તાકીદે જમીન ખુલ્લી કરવા આદેશ આપવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા કલેકટરના આદેશને પગલે સમગ્ર જિલ્લામાં સરકારી જમીનો પર દબાણ મામલે નિયમિત ફેરણી દરમિયાન મોરબી તાલુકા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર દ્વારા લાલપર ગામની સરકારી જમીન પર થયેલા અનઅધિકૃત કબ્જા અંગે તપાસ કરવામાં આવતા સાન્યો સિરામિક કંપની દ્વારા લાલપર ગામના સરકારી ખરાબાના સર્વે નં. ૧૪૭ ની આશરે ૫૦૦ ચો.મી. જમીન અને સર્વે નં. ૧૬૪/૧ પૈકી ૧ ની ૩૫૦૨ ચોરસ મીટર જેટલી અંદાજે અડધો કરોડની કિંમતી જમીન પર કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના બિનખેતી વિષયક બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ કરી જમીન મહેસુલ કાયદા મુજબ કાર્યવાહી કરી નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગેનો કેસ મામલતદાર મોરબીની કોર્ટમાં ચાલી જતા ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૬માં સુનાવણીની મુદતો આપવા છતાં સામાવાળા હાજર રહ્યા ન હતા. જેને પગલે મામલતદાર મોરબી ગ્રામ્ય દ્વારા દબાણ સાબિત માની મામલતદાર દ્વારા સરકારના અલગ અલગ પરિપત્રો અને પ્રવર્તમાન જંત્રીના દરોને ધ્યાને લઈ રેવન્યુ સર્વે નં. ૧૪૭ ની જમીન માટે રૂ. ૫,૭૦૦ અને સર્વે નં. ૧૬૪/૧ પૈકી ૧ ની જમીન માટે રૂ. ૩૯,૯૨૩ મળીને સાન્યો સિરામિક કંપનીને કુલ રૂ. ૪૪,૯૨૩ નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ મામલતદાર દ્વારા સાન્યો સિરામિકને આગામી તા. ૨૦/૦૯/૨૦૨૬ સુધીમાં આ ગેરકાયદેસર દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવાનો કડક આદેશ આપ્યો છે. ભવિષ્યમાં આ જમીન પર ફરીથી દબાણ ન કરવા પણ તાકીદ કરવામાં આવી છે. તંત્રની કડક કાર્યવાહીથી સરકારી જમીન પચાવી પાડતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.