છેલ્લા 6 મહિનામાં રો-મટિરિયલ્સ, ગેસ અને પેકેજીંગના ભાવમાં વધારો આવતા લેવાયો નિર્ણય : ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી કરાશે લાગુ ભાવ વધારાથી ગાડી પાટે ચડે તેવી આશા : જીવીટી ટાઇલ્સના એકમો ક્રમશ બંધ કરવાની વિચારણા જે ચાલી હતી, તે નિર્ણય મોકૂફ રખાયોમોરબી : મોરબી સિરામિક ઉદ્યોગ છેલ્લા થોડા સમયથી મંદીમાં સપડાયો છે. છેલ્લા ઘણા સમયથી રો મટિરિયલ્સના ભાવ વધી રહ્યા હોય, એસોસિએશને ફ્લોર ટાઇલ્સ, વોલ ટાઇલ્સ અને પાર્કિંગ ટાઇલ્સના ભાવના 10 ટકાનો વધારો જાહેર કર્યો છે. આ મામલે સિરામિક એસોસિએશન દ્વારા ઓલ ઇન્ડિયા ટાઇલ્સ ડીલર એન્ડ એક્સપોર્ટરને સતાવાર પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં સિરામિક રો મટીરીયલ્સ, ગેસ અને પેકીર્જીંગ પ્રાઈઝમાં મોટા વધારા આવતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હાલ મોટી નુકશાની કરી રહી છે. જેથી ક્વોલિટી ટકાવી રાખવા અને સપ્લાય યથાવત જાળવી રાખવા 1 ફેબ્રુઆરીથી સિરામિકની વોલ, ફ્લોર અને પાર્કિંગ પ્રોડક્ટમાં 10 % નો ભાવ વધારો કરવામાં આવે છે.જો આ ભાવ વધારો સ્વીકારવામાં વિલંબ થશે તો આકસ્મિક પ્રોડક્સન કાપી ઇન્ડસ્ટ્રીઝ સર્વાઇવ કરવામાં આવશે. આ મામલે સિરામિક એસો.પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું કે રો-મટિરિયલ્સના ભાવમાં વધારો થયો હતો. ફ્લોર ટાઇલ્સના 150 અને વોલ ટાઇલ્સના 230 જેટલા યુનિટો સંઘર્ષનો સામનો કરી રહ્યા હતા. આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે 10 ટકાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. હાલ છેલ્લા થોડા સમયથી ટાઇલ્સની કોસ્ટ હતી તે જ ભાવે વેચાણ થઈ રહ્યું હતું. પણ હવે નુકસાની ન થાય તે માટે ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સિરામિક ઉદ્યોગ મંદીમાં હોય જીવીટી એકમો ક્રમશઃ બંધ કરવા વિચારણા થઈ રહી હતી. જેમાં અમુક એકમોને ફેબ્રુઆરીમાં શટ ડાઉન કરવા તો અમુક એકમોને એપ્રિલમાં શટ ડાઉન કરવા વિચારણા ચાલી રહી હતી. આ મામલે સિરામિક એસો.પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું કે હાલ પૂરતો આ શટડાઉનનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં ઉદ્યોગની સ્થિતિ જોઈ નિર્ણય લેવામાં આવશે.