નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણને રોકવા સરકારનું આકરું પગલું : દુકાનદારોએ ફેકટરીઓ પર પગલાં લેવા માંગ કરીમોરબી : ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડએ દેશભરની તમામ દવાની દુકાનોમાં CCTV કેમેરા લગાવવાને ફરજિયાત બનાવતા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણને રોકવાનો છે. જોકે, આ નિર્ણયથી દેશના નાના દવાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આ પ્રસ્તાવ અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે વિચારાધીન છે.બીજીતરફ કેમિસ્ટ એસોસિએશને સરકારના નવા પગલાંનો વિરોધ કરી આવી દવા બનાવતી કંપનીઓ સામે આજ કાર્યવાહી કરવા માંગણી કરી છે. સમગ્ર દેશમાં નશીલી કફસિરપ સહિતની દવાઓના વેચાણ મામલે લાંબા સમયથી ડ્રગ કંટ્રોલર અધિકારીઓ દ્વારા આ પ્રકારના વેચાણ રોકવા પ્રયત્નશીલ હતા જેમાં બાળકોમાં નશીલી દવાઓનું વ્યસન રોકવા માટે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગએ પણ કડક દેખરેખની માંગ કરી હતી. સરકારનું માનવું છે કે CCTV ના ફૂટેજથી એક એવો ડિજિટલ રેકોર્ડ બનશે, જેનાથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓ વેચતા દુકાનદારોને સરળતાથી ઓળખી શકાશે. બીજીતરફ સરકારના આ પ્રસ્તાવનો દેશભરના કેમિસ્ટોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ૧૫ લાખથી વધુ સભ્યો ધરાવતા દેશના સૌથી મોટા સંગઠન 'ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ' એ ૧૭ સપ્ટેમ્બરે આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવને પત્ર લખીને વિરોધ દર્શાવ્યો છે.બીજી તરફ મોરબી કેમિસ્ટ એસોસિએશન પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સંગઠન દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે મુજબ સરકારના નિર્ણય સામે લડત આપવામાં આવશે.સાથે જ આ મુદ્દે આગામી બે દિવસમાં ગુજરાત કેમિસ્ટ એસોસિએશનની બેઠક યોજાનાર હોવાનું તેમને ઉમેર્યું હતું.મહત્વનું છે કે, મેડિકલ સ્ટોર ધારકોનું કહેવું છે કે ૬ થી ૮ કેમેરા, ડીવીઆર સિસ્ટમ, સ્ટોરેજ, ઈન્ટરનેટ અને મેન્ટેનન્સનો કુલ ખર્ચ ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધી આવશે. સામાન્ય માર્જિન પર કામ કરતા નાના વેપારીઓ માટે આટલો ખર્ચ ઉઠાવવો અશક્ય છે. વધુમાં, ગ્રામીણ વિસ્તારોમાં વીજ કાપ અને નબળા ઈન્ટરનેટ કનેક્ટિવિટીને કારણે ૨૪ કલાક સતત રેકોર્ડિંગ કરવું તકનીકી રીતે પણ શક્ય નથી. વધુમાં વેપારી મંડળોની દલીલ છે કે કેમેરા એ નથી ચકાસી શકતા કે ગ્રાહકે આપેલું પ્રિસ્ક્રિપ્શન અસલી છે કે નકલી. દુકાનદારોએ માંગ કરી છે કે આ નિયમ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે અથવા તો ગ્રામીણ દુકાનદારોને સરકાર પોતે સંપૂર્ણ સબસિડી આપે. રિટેલર્સ પર આવા નિયમો થોપવાને બદલે, સરકારે દવા બનાવતી ફેક્ટરીઓમાંથી જ 'ટ્રેક એન્ડ ટ્રેસ' સિસ્ટમ લાગુ કરવી જોઈએ, જેથી ડ્રગ્સના કાળાબજાર પર મૂળમાંથી અંકુશ લાવી શકાય.