જાન્યુઆરી માસમાં થયેલા સર્વે બાદ સુવિધાઓની જાળવણી ચકાસવા દિલ્હી અને મુંબઈના 2 ડોક્ટરોની ટીમ દ્વારા રી-વેલિડેશન પ્રક્રિયા હાથ ધરાઈમોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારની આરોગ્ય ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત 'લક્ષ્ય' પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલના ગાયનેક અને ડિલિવરી વિભાગની કામગીરી તેમજ સુવિધાઓ અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વે દરમિયાન ગાયનેક વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓ, ઓપરેશન થિયેટરની સંખ્યા અને દર્દીઓને અપાતી સારવારનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે છે. સર્વે બાદ કામગીરી યોગ્ય જણાય તો હોસ્પિટલને વધારાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે. અગાઉ જાન્યુઆરી માસમાં પણ લક્ષ્યની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલમાં સારી સુવિધાઓ જોવા મળી હતી. તે સમયે દર્શાવેલી સુવિધાઓ હાલમાં પણ એ જ પ્રકારે જળવાઈ રહી છે કે કેમ તેની પૂરતી ચકાસણી કરવા માટે દિલ્હીની ટીમ દ્વારા ફરીથી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત અંગે વિગતવાર માહિતી આપતા મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રદીપ દુધરેજીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની તમામ સરકારી આરોગ્ય સુવિધાઓમાં લેબર રૂમ અને ડિલિવરી રૂમની કામગીરીનું 'લક્ષ્ય' (લેબર રૂમ ક્વોલિટી એસેસમેન્ટ) પેરામીટર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. આ માટે સમયાંતરે અલગ-અલગ રાજ્યોમાંથી એક્સટર્નલ એસેસમેન્ટ ટીમ આવતી હોય છે. અગાઉ જાન્યુઆરી 2026 માં એક ટીમ આવી ગઈ છે અને હવે તેના રિઝલ્ટ અને રી-વેલિડેશન માટે બીજી એક ટીમ આવી છે જેમાં 2 ડોક્ટરો (દિલ્હી અને મુંબઈથી) સામેલ છે. આ ટીમ લેબર રૂમમાં ફરજ બજાવતા ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફની કામગીરીનું સુપરવિઝન કરશે, તેમની સાથે ચર્ચા કરશે, ઇન્ટરવ્યુ સેશન લેશે અને હોસ્પિટલના તમામ રેકોર્ડ ચેક કરશે. આ તમામ ચેકિંગના આધારે હોસ્પિટલને લક્ષ્ય ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે. લક્ષ્ય સર્ટિફિકેટનો અર્થ એ છે કે હોસ્પિટલ સરકારની ગાઈડલાઈન અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નું ચુસ્તપણે પાલન કરે છે અને તે મુજબ જ કામગીરી કરે છે. મોરબી સિવિલ હોસ્પિટલ પાસે પહેલેથી જ લક્ષ્ય સર્ટિફિકેટ ઉપલબ્ધ છે અને હાલમાં ચાલતી આ પ્રક્રિયા સર્ટિફિકેટના રિન્યુઅલ માટે હાથ ધરવામાં આવી છે.#MorbiUpdate #MorbiCivilHospital #LakshyaProgram #HealthCare #MorbiNews #GujaratHealth #CentralHealthTeam #GynecologyWard