વાંકાનેર : વાંકાનેર માર્કેટ યાર્ડના ચેરમેને કેન્દ્ર સરકારનુ બજેટ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક હોવાનું જણાવ્યું છે. વાંકાનેર માર્કેટ યાર્ડ ચે૨મેન શકીલ પીરઝાદા અને વાઈસ ચેરમેન અશ્વીન મેઘાણીએ એક સંયુકત નિવેદન આપી યાદીમાં જણાવ્યું છે કે ખેતી અને ગ્રામ્ય ભારતના વિકાસની ભારત સરકારના બજેટ વર્ષ ૨૦૨૨-૨૩માં કોઈ મોટી જાહેરાત કરાઈ નથી. એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન બાદ ૩ કૃષિ કાયદાઓ પરત ખેચવામા આવ્યા પણ ખેડૂતોની લધુતમ ટેકાના ભાવ (એમ.એસ.પી) ની ગેરંટીની માંગણી વિશે કોઈ જાહેરાત કરાઈ નથી. કોમોડીટી માર્કેટ વિશે પણ બજેટમા કોઈ જાહેરાત થઈ નથી. સરકારની ગત વર્ષોની બહુચર્ચીત ઈ–નામ યોજના તેમજ હાલના કાર્યરત માર્કેટ યાર્ડોના વિકાસ માટે પણ કોઈ વિશેષ જાહેરાત કરાઈ નથી. ખાસ કરીને સરકારના વર્ષ ૨૦૨૨ સુધીમા ખેડૂતોની આવક ડબલ કરવાના વાયદા વિશે કોઈ ચર્ચા કરવામા આવી નથી, સરકારનો આ દાવો પોકળ સાબીત થયો છે. ખેડૂતોની આવક ડબલ થવાના બદલે રાસાયણીક ખાતરોના બેફામ ભાવ વધારા અને ખાતરોની અછતના કારણે ખેડૂતની આવકમા ઘટાડો થયો છે. ખાતરોનો ભાવ નિયંત્રીત કરવા અંગે કોઈ નક્કર જાહેરાત કરવામા આવી નથી. આથી, ભારત સરકારનુ બજેટ વર્ષ ૨૦૨૨–૨૩ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક સાબીત થયેલ છે.