હળવદ - ધ્રાંગધ્રા બેઠકની ચૂંટણી અન્વયે હરીદર્શન ચોકડી પાસે કાર્યાલયને ખુલ્લુ મુકાયું હળવદ : ધાંગધ્રા-હળવદ બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને વિજયી બનાવવા માટે ગામે-ગામ પ્રચારના શ્રી ગણેશ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે સોમવારે મોડી સાંજે ભાજપ દ્વારા પ્રચાર કાર્યને વધુ વેગવંતુ બનાવવા માટે હળવદ શહેરની હરીદર્શન ચોકડી પાસે ચૂંટણી પ્રચાર કાર્યાલયને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખની હાજરીમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ચૂંટણી જાહેર થતાની સાથે જ દરેક રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર માટે કાર્યાલય ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે જેમાં હળવદમાં સોમવારે મોડી સાંજે હરીદર્શન ચોકડી પાસે હળવદ - ધ્રાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના ચૂંટણી પ્રચાર માટે મધ્યસ્થ ચૂંટણી પ્રચાર કાર્યાલયને મોરબી જિલ્લાના કાર્યકારી ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીના અધ્યક્ષ સ્થાને ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સિણોજીયા, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે સહિત શહેર અને ગ્રામ્ય ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.