સબ જેલ, વૃદ્ધાશ્રમ, આશ્રમો સહિતની જગ્યાએ સામૂહિક ઉજવણી કરાઈ મોરબી અપડેટ : આજરોજ તારીખ 28 ઓગસ્ટ ને શ્રાવણ સુદ પૂનમના પાવન દિવસે મોરબી જિલ્લાભરમાં ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉત્સાહ અને લાગણીસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના ભાઈને રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધીને આ પર્વ ઉજવ્યો હતો. સાથે જ ભાઈઓએ તમામ બહેનોની જીવનભર રક્ષા કરવાનું વચન આપ્યું હતું. મોરબીમાં વિવિધ વૃદ્ધાશ્રમો, આશ્રમો, સબજેલ સહિતની જગ્યાએ પણ સામૂહિક રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.મોરબી મહિલા પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં ઉજવણીરક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મોરબી મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક સરાહનીય અને પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્યું છે. મહિલા પોલીસ કર્મીઓએ કાઠિયાવાડી નિરાશ્રિત બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં આશ્રય લઈ રહેલા વૃદ્ધો સાથે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. મોરબી મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વૃદ્ધાશ્રમના તમામ વડીલોને પ્રેમપૂર્વક રાખડી બાંધવામાં આવી હતી. સમાજથી વિખૂટા પડી ગયેલા આ વડીલોને પરિવારની ખોટ ન સાલે અને તેઓ એકલતા ન અનુભવે તે માટે પોલીસ કર્મીઓએ તેમની સાથે સમય વિતાવીને હુંફ પૂરી પાડી હતી અને તહેવારનો આનંદ વહેંચ્યો હતો. ભાઈની રક્ષા માટે મોરબી જલારામ ધામમાં બહેને મહાપ્રસાદ યોજ્યો મોરબીના જલારામ ધામ ખાતે મોરબીના લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને સરદાર પટેલ પાટીદાર સમાજ-ટંકારાના સ્થાપક પ્રમુખ કે.પી. ભાગીયાના દીકરી ઉર્વશીબેન કીશનભાઈ ઠુમ્મર (રાજ બેંક) દ્વારા રક્ષાબંધનની પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી. ઉર્વશીબેને અમેરિકા રહેતા પોતાના ભાઈ સુમિતભાઈની રક્ષા માટે મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. આ તકે બહેને ભાઈને વીડિયો કોલના માધ્યમથી જલારામ બાપાના દર્શન પણ કરાવ્યા હતા. આ પ્રસંગે સુમિતભાઈના બહેન ઉર્વશીબેન, ભાણેજ તત્વકુમાર, માતા જયાબેન અને પિતા કે.પી. ભાગીયા ઉપસ્થિત રહ્યા હતા.માળિયા (મિયાણા)ના સૌરાષ્ટ્ર વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમ ખાતે રક્ષાબંધનની ઉજવણીમાળિયા (મિયાણા) પાસે આવેલા રાયસંગપર પાટિયા પાસેના સૌરાષ્ટ્ર વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંગાથ વૃદ્ધાશ્રમ ખાતે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને રાખડી બાંધીને અનોખી રીતે ઉજવણી કરાઈ હતી અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.મોરબી સબજેલમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મોરબી સબજેલમાં એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કેદી ભાઈઓને તેમની સગી બહેનો રૂબરૂ મળીને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા જેલ પ્રશાસન દ્વારા ગોઠવવામાં આવી હતી. પોલીસ મહાનિદેશક (જેલ) ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ સુરક્ષા અને શિસ્તને ધ્યાનમાં રાખીને બહેનોને જેલ કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ભાઈઓને હાથોહાથ રાખડી બાંધવાની છૂટ અપાઈ હતી.જે મહિલા કેદીઓના ભાઈઓ કોઈ કારણસર રાખડી બંધાવવા આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ફરજ નિભાવી હતી. જેલ અધિકારી અને સ્ટાફે પોતે મહિલા કેદીઓ પાસે રાખડી બંધાવી હતી જેથી તેમને દુઃખ ન થાય અને પરિવારની હૂંફ મળી રહે. લીલાબેન નામના એક મહિલા કેદીએ ભાવુક થતા જણાવ્યું હતું કે તેમના ભાઈઓ આવી શક્યા ન હોવાથી જેલના સ્ટાફે જ ભાઈ બનીને તેમને રાખડી બંધાવી છે, જેનો તેમને સંતોષ છે.ડ્રેનેજ સમિતિના ચેરમેને સફાઈ કર્મચારી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરીમોરબી મહાનગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારીયા દ્વારા વોર્ડ નંબર 9 ની સફાઈ કર્મચારી બહેનો સાથે રક્ષાબંધન પર્વની અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નવનિતભાઈ કુંડારીયાએ સફાઈ કર્મચારી બહેનોના હાથે રક્ષા કવચ (રાખડી) બંધાવીને તેઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ વિશેષ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ-રાત તનતોડ મહેનત કરતા સફાઈ કર્મચારીઓના કાર્યની સરાહના કરી સમાજમાં 'વસુધૈવ કુટુંબકમ્' ની ભાવના જાળવી રાખવાનો હતો.લજાઈના ઉમિયા માનવ મંદિરમાં ટંકારા પોલીસ દ્વારા ઉજવણીમોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામે પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ - મોરબી સંચાલિત 'માનવ મંદિર' ખાતે નિરાધાર વડીલો આશ્રય લઈ રહ્યા છે. પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ સંસ્થાની મુલાકાત લઈ વડીલો સાથે રક્ષાબંધનની ભાવભીની ઉજવણી કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ટંકારા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મેવા, હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલા, મહિલા કોન્સ્ટેબલ કિરણબેન ઢેઢી અને કોન્સ્ટેબલ મોનિકાબેન બી. સહિતના કર્મયોગી ભાઈ-બહેનોએ 'માનવ મંદિર' ની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સંસ્થામાં રહેતા તમામ વડીલ ભાઈ-બહેનો, સેવકો તેમજ કામદારોને કુમકુમ તિલક કરી સ્નેહપૂર્વક રક્ષાપોથી બાંધી હતી. રક્ષાબંધન નિમિત્તે સૌના મોં મીઠા કરાવી આત્મીયતાપૂર્વક પર્વની ઉજવણી કરતા સ્નેહસભર વાતાવરણ સર્જાયું હતું. પોલીસ જવાનોની ખાખી વર્દીમાં રહેલી આ સંવેદનશીલતા અને પ્રેરણાદાયી કાર્યને વધાવવા માટે સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા તેમજ કેમ્પસ ડાયરેક્ટર ઠાકરશીભાઈ કલોલાએ ઉપસ્થિત રહી પોલીસ સ્ટાફની આ સરાહનીય કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની તથા માતૃશક્તિ, મોરબી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણીમોરબી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની તથા માતૃશક્તિ, મોરબી દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે વિવિધ સેવાકીય ક્ષેત્રોમાં ફરજ બજાવતા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજની સેવા અને સુરક્ષા માટે સતત કાર્યરત વિવિધ વિભાગોના કર્મચારીઓ તથા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી તેમના પ્રત્યે સન્માન અને બંધુત્વ ની ભાવના વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ અંતર્ગત ટ્રાફિક પોલીસના કર્મચારી...