વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને કૃમિનાશક દવા અપાઈ મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - લાલપરના જોધપર (નદી) સબ સેન્ટર દ્વારા શાળાઓમાં રાષ્ટ્રિય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં પેટની બીમારી અને એનિમિયા જેવા રોગો તથા કુપોષણ માટે જવાબદાર કૃમિના નાશ માટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ છે. જે અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડીઓના વિદ્યાર્થીઓ અને શાળા કે અંગળવાડીમાં ના જતા હોય એવા બાળકોને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આલબેન્ડાઝોલ નામક દવા આપવામાં આવે છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાની સૂચના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - લાલપરના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાના નિર્દેશનુસાર સબ સેન્ટર જોધપર (નદી) વિસ્તારમાં આવેલ વિવિધ શાળાઓના આશરે ૧૦૦૦ બાળકોને કૃમિનાશક ગોળી આપી આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા અને પિંકલબેન પરમાર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવા આવી હતી. આ પ્રસંગે મોરબી તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન ગોરધનભાઇ સોલંકી તેમજ ગોરધનભાઇ વિરજીભાઈ સોલંકી એ ખાસ હાજરી આપી અને બાળકોને કૃમિનાશક ગોળી પીવડાવી હતી.