કોરોનાની મહામારીને ધ્યાને લઈને ભાવિકોએ પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને પોતાની માનતા પૂર્ણ કરી મોરબી : મોરબીના બોરીચા વાસમાં આવેલા આશરે 500 વર્ષ પુરાણા ચરમારીયા નાગ દેવાતાના મંદિરે આજે નાગ પંચમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જો કે વર્ષોથી દર નાગ પંચમીએ આ નાગ દેવાતાના મંદિરે દર્શન કરવાનો અનેરો મહિમા છે. પણ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને લઈને ભાવિકોની પણ ઓછી હાજરી જોવા મળી હતી અને કરોનાની મહામારીને ધ્યાને લઈને ભાવિકોએ પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને પોતાની માનતા પૂર્ણ કરી હતી. બોરીચા વાસમાં આવેલુ આશરે 500 વર્ષ પુરાણું નાગ દેવતાનું મંદિર વર્ષોથી ચરમારીયા દાદાના મંદિર તરીકે જાણીતું છે. આ નાગ દેવતાના મંદિરના રસપ્રદ ઇતિહાસ અંગે મંદિરની નિયમિત સેવા પૂજા કરતા પૂજારી હંસગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આશરે 500 વર્ષ પૂર્વે આ જગ્યાએ નાગ દેવતાનો રાફડો હતો. ત્યાં નાગ દેવતા દર્શન આપતા હતા. બાદમાં પૂજારીના પૂર્વજોએ તે જગ્યાએ ઓટો બનાવીને નાગ દેવતાની મૂર્તિરૂપે સ્થાપના કરી હતી અને શ્રદ્ધાળુઓ નાગ દેવતાને ફણગાવેલા કઠોળ, દૂધ અને તલવત ધરતા હતા. તે વખતે રાજવી પરિવારને ખબર પડી હતી કે અહીં નાગ દેવતા રાફડામાંથી બહાર નીકળીને દૂધ પીએ છે. આથી, આ નાગ દેવતાના મંદિરનો મહિમા વધ્યો હતો. દર વર્ષે નાગ પંચમીએ ભાવિકો નાગ દેવતાને દૂધ, તલવટ સહિતનો પ્રસાદ ધરે છે. સાથે સાથે માનતા પણ ઉતારીને ભાવિકો નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે. આ નિયતક્રમ આજે પણ જળવાઈ રહ્યો છે. જો કે આજે નાગ પંચમીએ આ નાગ દેવતાના મંદિરે કોરોનાને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી હતી.